જૈન ગ્રંથ અનુસાર છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષના ત્રયોદશીના રોજ થયો હતો. જૈન ધર્મના લોકો આ દિવસને ભગવાન મહાવીરના જન્મ દિવસ તરીકે ઉજવે છે. જિલ્લા મથક ભુજમાં બે વર્ષ બાદ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સાધુ ભગવંતોની ઉપસ્થતિમાં શહેરના માર્ગો પરથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. આદિનાથ જિનાલય ખાતેથી રથયાત્રા નીકળી વાણિયાવાડ, છઠ્ઠી બારી, બસ સ્ટેશન, અનમ રિંગરોડ થઈને જૈન સમાજની વાડીએ સંપન્ન થઈ હતી. વરઘોડા દરમિયાન ગણીવર્ય રાજરત્ન મ.સા., ભાગ્યોદય મ.સા ઉપરાંત સાધ્વીજી ભગવંતો હાજર રહ્યા હતા .
જૈન યુવાઓએ સાફા પહેરી અને મહિલાઓ ચણીયા ચોળી જેવા વસ્ત્રો સાથે સજીધજીને પ્રસંગ માણ્યો હતો. વરઘોડામાં ટ્રકમાં રાજ દરબાર, સ્નાત્ર મહોત્સવ, મયૂરાસન, ઇન્દ્ર ધજા, જિનાલયની પ્રતિકૃતિ, કાઠિયાવાડી રાસ મંડળીએ આકર્ષણ જમાવ્યું હતું.
ધોમ ધખતા તાપમાં ભગવાનના રથને ઉઘાડા પગે ખેંચતા જૈન ભાઈઓની ખરેખર પરીક્ષા હતી. તો જૈન મુનિને તડકો ન લાગે તે માટે બનાવેલા વિશાળ શેડ સાથે લઈને ચાલતા યુવકોની ધાર્મિક લાગણી અનુભવી શકાતી હતી. વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જૈન સમાજના દરેક ફિરકા જોડાયા હતા. સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.