તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:કંડલામાં કાર્ગો હેન્ડલીંગ કામગીરી દરમિયાન ક્રેનની કેબીનમાં આગ લાગતા અફરાતફરી

ભુજ3 મહિનો પહેલા
  • ફાયર ફાઈટરે અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
  • બુધવારના મોડી રાત્રે દોઢ વાગ્યે કાર્ગોના અનલોડીંગ સમયે ક્રેનની કેબિનમાં આગે દેખા દીધી
  • ક્રેનની અપર કેબિનમાંથી સ્ટાફને અન્ય ક્રેનથી રેસ્ક્યુ કરાયોઃ 40 મિનિટમાં આગ પર કાબુઃ કોઇને ઈજા કે જાનહાની નહીં

ગાંધીધામ તાલુકાના કંડલા ખાતેના દિનદયાળ પોર્ટમાં ગત મોડી રાત્રે કાર્ગો હેન્ડલિંગની કામગીરી દરમ્યાન ક્રેનની કેબિનમાં ભયંકર આગ લાગી ઉઠી હતી. ફાયર ફાઈટરની સમયસરની કાર્યવાહીથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદભાગ્યે જાનહાનિ કે અન્ય કોઈ અઘટિત બનાવ ટળ્યો હતો.

કંડલા દિન દયાળ પોર્ટ ખાતેના નંબર 9 પરના બર્થમાં ચાલી રહેલી કાર્ગો હેન્ડલિંગની કામગીરી દરમ્યાન ક્રેનમાં મોટી આગ લાગી ઉઠી હતી. આગના પગલે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તુરંત ઘટનાસ્થળે પહોંચી આવીને ક્રેનની કેબીન તરફ પાણીનો મારો ચલાવી આગને અડધો કલાકની જહેમત બાદ કાબુમાં મેળવી લીધી હતી. જેના પગલે બંદર પર ઉપસ્થિત કર્મચારીઓ અને અન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બનાવ ગત મોડી રાત્રે બન્યો હતો જેમાં કંડલા પોર્ટની કાર્ગો હેન્ડલિંગ કરતી એ.વી. જોશી કંપની મોબાઈલ ક્રેન દ્વારા ઓપરેટીગ થતુ હતુ. ત્યારે રાતના 1.30ના સમયે કેબીનમાં આગ લાગી હતી, આ સમયે ફાયર ફાઈટર સ્થળ પર દોડી આવ્યા હતા , અને પ્રેશરથી પાણી મારવાની શરુઆત કરી હતી. અને આગને કાબુમાં કરી હોવાનું દિન દયાળ ટ્રસ્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ કહ્યું હતું. તો એક તબક્કે કેટ્લાક લોકો ક્રેન ઉપર ફસાઈ ગયા હતા તેમને ફાયર સેફટીના જવાનોએ બચાવી લીધા હતા. આગ પર અડધાથી પોણો કલાકમા કાબુ મેળવાયો હોવાનું પપુભાઇ અસ્થાએ જણાવ્યું હતું.

ક્રેનમાં આગ લાગવી અસામાન્ય ઘટના,કંપનીએ પણ વ્યક્ત કર્યું આશ્ચર્ય
એ. વી. જોશી કંપનીની હાર્બલ ક્રેન કે જેમા આગ લાગી તે ભારતીય નહિ પરંતુ વિદેશી બનાવટની છે. સામાન્ય રીતે તેમાં આગ લાગવાની ઘટનાઓ ખુબ જવલ્લેજ જોવા મળતી બાબત છે. આ ઘટના માટે સામાન્ય રીતે શોર્ટ સર્કિટને જવાબદાર મનાઈ રહ્યું છે પરંતુ તેનું સચોટ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જોકે કંપનીએ પણ ક્રેનમાં લાગેલી આગ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પ્લાસ્ટિક કંપનીમાં આગ 1 કલાકે કાબુમાં આવી
મેઘપર વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકની એચ આર કંપનીમાં આજ વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે સવારના 7:40 વાગ્યાના અરસામાં આગની ઘટના પ્રકાશમાં આવતા નગરપાલિકાનું ફાયર ફાઈટર સ્થળ પર દોડી ગયું હતું. સ્થળ પર ગોડાઉનમાં પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગ્યાનું સામે આવ્યું હતું. જેના પર પાણીનો મારો ચલાવતા કલાકમાં તેના પર કાબુ મેળવાયો હતો. સદભાગ્યે આગમાં કોઇને ઈજા પહોંચી નહતી, પરંતુ માલના જથ્થાને કેટલુંક નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું. આ આગને કાબુ લાવવા માટે નગરપાલિકાના ફાયર ફાઈટર દીપક ગરવા, દીપક મંગલીયા, મનીષ મંગલીયા, વિજય ગરવાએ જહેમત ઉઠાવી હતી.

10-A, ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડી સળગી
ગાંધીધામના ટાગોર રોડ પાસે આવેલા વોર્ડ 10એ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમા ઉગી નિકળેલા બાવળની ઝાડીઓમાં આગ ભભૂકી ઉઠી હતી. આસપાસના રહેલા રહેણાક ઘરોમાં આ અંગે ચિંતા ઉઠતા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાઈ હતી. જેમણે રાત્રીના 9 વાગ્યે સ્થળ પર દોડી જઈને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો, તો 50 મિનિટના ગાળામાંજ તેના પર કાબુ મેળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...