વરસાદ ખેંચાતા રાપર, ભચાઉ તાલુકામાં પાક બચાવવા માટે તમામ ડેમ નર્મદાના નીરથી ભરવા ધારાસભ્યઅે માંગ કરી છે. પ્રથમ વરસાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં પડતાં વાવણી થઇ ગઇ છે પરંતુ વરસાદ ખેંચાતા રાપર, ભચાઉ તાલુકા સહિત કચ્છમાં ખરીફ પાક નિષ્ફળ જાય તે પહેલા તેને બચાવવા માટે કચ્છ શાખા નહેર તેમજ ગાગોદર બ્રાન્ચ કેનાલમાં નર્મદાના પાણી ઓછામાં ઓછા 15 દિવસ સુધી ચાલે તે રીતે છોડવા જરૂરી છે.
કેનાલ મારફતે રાપર તેમજ ભચાઉ તાલુકાના નર્મદા કેનાલ આધારિત તમામ તળાવો, પીવાના પાણી આધારિત રાપર તાલુકાના ફતેગઢ ડેમ અને સુવઈ ડેમમાં નર્મદાના પાણી ભરવા તેમજ સિંચાઈ માટે લાકડાવાંઢ ડેમ ભરવામાં આવે તો પાણી અછતને આગામી સમયમાં પહોચી વળાય અને ખરીફ પાકનો મહતમ બચાવ કરી શકાય તેમ છે. હાલે વરસાદ ખેંચાવાના કારણે પાક બળી રહ્યો છે, જેથી પાક બચાવવા કચ્છ શાખા નહેર તેમજ તેમાંથી નીકળતી ગાગોદર સબ બ્રાન્ચ કેનાલ સહિત તમામ પેટા કેનાલમાં નર્મદા નીર છોડવામાં આવે તેવી માંગ સાથે રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઅાત કરી છે.
વરસાદ ખેંચાતાં ખરીફ પાક બચાવવા નર્મદાના પાણી અાપવા જરૂરી
કચ્છમાં વરસાદ ખેંચાતા ખરીફ પાક બચાવવા માટે નર્મદાના નીર પિયત માટે અાપવા માંગ ઉઠી રહી છે. જિલ્લાના અમુક જ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડી જતાં ખેડૂતોઅે વાવણી કરી નાખી છે તેને 15થી 20 દિવસ થવા અાવ્યા પરંતુ ત્યાબાદ વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. વરસાદ ખેંચાતા પાક બળી રહ્યો છે અને ખેતીમાં મોટાપાયે નુકસાનીની ભીતિ કિસાનો વ્યક્ત કરી રહ્યા છે.
જો કચ્છ શાખા નહેર તેમજ તેમાંથી નીકળતી ગાગોદર બ્રાન્ચ કેનાલ સહિત તમામ પેટા કેનાલોમાં શક્ય હોય તેટલા નર્મદાના પાણી તાકીદના ધોરણે છોડવામાં અાવે તો પાક બચી શકે છે અને પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા પણ થઇ શકે તેમ છે. રાપર તાલુકામાં ભૂગર્ભ જળની વ્યવસ્થા ન હોઇ ખેતી વરસાદી પાણી તથા નર્મદાના નીર પર અાધારીત હોઇ અા કુદરતી અાફતથી બચવા નર્મદાના પાણી સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોઇ સિંચાઇ માટે નર્મદાના પાણી છોડવા રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ અે. મહેતાઅે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિત રજૂઅાત કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.