સમીક્ષા:દબાણ, વીજ જોડાણ, પુરવઠા અને આરોગ્યને લગતા પ્રશ્નોની ઝડી વરસી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકલનની બેઠકમાં વિકાસ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા

કલેકટર કચેરીઅે જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠકમાં વિકાસ પ્રોજેકટ અને વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી.કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ મુન્દ્રા તાલુકાના ભુજપુર, ગુંદાલા માર્ગનું સમારકામ કરી, સ્ટેટ હાઈવે ઓથોરીટીને સુપ્રત કરવા, માંડવી-મુન્દ્રા ફોરલાઇન પર હાઇમાસ્ટ લાઇટ ચાલુ કરવા, તાલુકામાં ગામોની ગામતળની હદ વધારવા રજુઆત કરી હતી. હાઈમાસ્ટ લાઇટ 10 દિવસમાં ચાલુ થઇ જશે તેવું અમલીકરણ અધિકારીએ જણાવ્યું હતું અને ગામતળની હદ વધારવા કવેરી મોકલી આપી હોવાનું મુન્દ્રા પ્રાંત અધિકારી કે.સી.ચૌધરીએ કહ્યું હતું.

ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ બીપીએલના લાભાર્થીઓને વીજ જોડાણ, શાળાઓ મર્જ કરવાનો નિર્ણય, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય-વળતર, હેરિટેજ વિલેજ તેરામાં વિકાસ કામગીરી, ખનીજ લીઝ સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા. પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ગરવાઅે જણાવ્યું હતું કે, નવા વીજ જોડાણો સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર અન્ડર ગ્રાઉન્ડ વિજ માળખા દ્વારા કરાશે અને જેમના અગાઉથી ભાવપત્રક ભરેલા છે તેમને વિજ જોડાણ મહિનાના અંત સુધીમાં આપી દેવાશે.

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ટાગોર રોડ ઓવરબ્રિજ કામગીરીના કારણે વૈકલ્પિક માર્ગ તરીકે રામબાગ રોડ પરના દબાણો હટાવવા જણાવતાં કલેકટરે તાત્કાલિક કામગીરી કરવા તાકીદ કરી હતી. સાંસદ વિનોદ ચાવડાએ કોરોનાકાળમાં ગ્રામીણ વિસ્તારના જે અેસ.ટી. રૂટ બંધ કરાયા છે તે ફરી શરૂ કરવા જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કેશવજી રોશિયાએ આદર્શ નિવાસી શાળા કન્યા છાત્રાલયના સ્ટાફ-જમવાની વ્યવસ્થા, વ્યાજબી ભાવની દુકાનોમાં વિતરણથી લઇને પુરવઠો લોકો સુધી પહોંચાડવા, બાળસખા તેમજ ચિંરજીવી યોજના સબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ મોટા કાંડાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબતે રજૂઆત કરી હતી. અા તકે નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઅો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...