લોકોમાં રોષ:90 ટકા ગ્રાહકો સિલિન્ડરનું ઓનલાઇન બુકિંગ કરાવે તેવું વિતરકો પર દબાણ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ કંપનીનો તઘલખી નિર્ણયથી લોકોમાં રોષ
  • ઇન્ડિયન ઓઇલ કંપની અંતરિયાળ ગામોના ગ્રાહકો માટે સર્જશે મુશ્કેલી

એક તરફ સરકારે રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી બંધ કરી છે. તો બીજી તરફ ગ્રાહકોની સગવડતા ખાતર વર્ષોથી વિતરકોની ઓફિસે બુકિંગ થતું તે બંધ કરીને 90 ટકાથી વધુ ઓનલાઇન કરવા માટે કંપનીએ દબાણ કરાતા વિતરકોમાં કચવાટ ફેલાયો છે. કચ્છમાં વિવિધ ગેસ કંપનીના બાર લાખથી વધુ ગ્રાહક છે. આઇઓસીના જ અંદાજે ચાર લાખ જેટલા છે. કુલ ગ્રહકામાંથી એક લાખ જેવા ગરીબી રેખા નીચેના લોકો છે. જેઓ માટે મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરથી બુકિંગ કરાવવુ આસાન નથી.

ગેસ કંપનીએ કરેલા મેઈલ મુજબ 90 ટકાથી વધુ ઓનલાઇન બુકિંગ, 30 ટકાથી વધુ ડિજિટલ પેમેન્ટ થવું જોઈએ તેવી સ્પષ્ટ સૂચના આપી છે. કંપનીના આવા તઘલખી નિર્ણય અંગે જાણવા ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુટર એસોસિયેશનના કારોબારી સભ્ય રાજેશભાઈ રબડીયાએ જણાવ્યું કે, ભુજમાં અમારી એજન્સીના ગ્રહકોમાંથી 80 ટકાથી વધુ ગ્રાહકો ઓનલાઇન બુકિંગ કરાવે જ છે. પરંતુ બન્ની અને ખાવડા વિસ્તાર કનેક્ટિવિટી મુશ્કેલી અને અજ્ઞાનતા કારણસર મોબાઈલ ફોનથી બુકિંગ નથી થતું.

તો ઉજવલ્લા યોજના અંતર્ગત મેળવેલા કનેક્શન આવી આધુનિક સિસ્ટમથી અજાણ હોય છે. માટે આવા વિસ્તાર અનેક પ્રયત્નો બાદ પણ કોઈ સફળતા નથી મળતી. આ મેઇલથી શું અવળી અસર પડશે તેવું પૂછતા આઇડાના પ્રમુખ ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, આખા રાજ્યમાં આવા મેઈલ નથી મુકાયા. પરંતુ જ્યાં ઑનલાઇન બુકિંગનું પ્રમાણ ખૂબ ઓછું છે, ત્યાં જ આ પ્રયાસ કરાયો છે. કંપનીના અધિકારીઓ સવાલ કરી શકે, પરંતુ દબાણ ન જ કરી શકે. જો એવું હશે તો સંગઠન ચોક્કસ મધ્યસ્થી બનશે.

કંપની અને વિતરક વચ્ચેની વાત છે, હું તમને માહિતી ન આપી શકું : AGM સેલ્સ
વિતરકોને મેઈલ થયા છે એ કંપની અને ડિસ્ટ્રીબ્યુટર વચ્ચેની ગોપનીય બાબત છે. તે વિશે માહિતી આપી શકાય નહીં, એવું જણાવતાં આઈઓસી કચ્છ એરિયા જનરલ મેનેજર, સેલ્સ સુરજકુમારે જણાવ્યું કે, જો કોઈ માહિતી જોઈએ તો લેખિતમાં આપવું પડે અને ઓફિસ સમય સિવાય વાત નહિ થાય. તમને ક્યા વિતરકે આ વાત કહી તે જણાવવા આગ્રહ રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...