તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:80 ટકા મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટ વિનાના

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં બે મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કરાઇ, પરંતુ વધુ તપાસ થાય તો કેટલાકના શટર ડાઉન થઇ શકે
  • માત્ર માસિક નિયત રકમ આપી લાયસન્સ મેળવી કરે છે વેપાર

દવાઓનું વેંચાણ કરવા માટે સરકારની ગાઈડ લાઈન મુજબ અનેક નિયમો બનાવ્યા છે કે જેથી ખરીદનાર માટે યોગ્ય જ દવા મળે અને કોઈ છેતરપિંડી ન થાય. ગત સપ્તાહે ભુજમાં બે મેડિકલ સ્ટોરના નિયમ મુજબ વેંચાણ ન થતું હોવાના ગુન્હા સબબ શટર પાડવામાં આવ્યા. ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલા આ પગલાથી ફફડાટ મચી ગયો છે. મેડિકલ સ્ટોર માટે સૌથી મુખ્ય જે ફરજિયાત પણે અમલ કરવાનો નિયમ છે કે, ફાર્માસિસ્ટ વગર એકપણ પ્રિસ્ક્રાઇબ્ડ મેડીસિન વેંચી ન શકે. અને આ નિયમનો ભંગ ભુજમાં જ અંદાજે એંસી ટકાથી વધુ મેડિકલ સ્ટોરમાં જોવા મળ્યો હતો.

દવાની દુકાન શરૂ કરવા માટે ફાર્માસિસ્ટ હોવો જરૂરી છે. લોકોની આરોગ્યની વાત છે, ત્યારે સરકારે જ જાણકાર વ્યક્તિ આ વેંચાણ કરે તેવા આશયથી નિયમ બનાવ્યો છે. કોઈપણ મેડિકલ સ્ટોર જો ફાર્માસિસ્ટ વગર દવા વેંચે તો તે ગેરકાયદેસર કહેવાય છે. કડક કાનૂનને કારણે દવાના વેપારી લાયસન્સ તો તેના નામે લે છે, પરંતુ નોકરી પર રાખવાને બદલે માસિક નિયત રકમ પહોંચાડી દે છે. ફાર્મસી વર્તુળના જ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિને આઠ થી દસ હજાર ફાર્માસિસ્ટને ઘરે પહોંચી જાય છે, તે અન્ય જગ્યાએ નોકરી કે વેપાર કરતો હોય. વાસ્તવમાં જેના નામે ડ્રગ લાયસન્સ હોય તેણે તે દુકાને બેસવું જ પડે.

ભુજમાં ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા એક સર્વે કરતા મોટાભાગની દુકાનોમાં ફાર્માસિસ્ટ હાજર નહોતા. આ અંગે પૂછતા કોઈએ કહ્યું કે, હમણાં જ ગયા તો કોઈક દવા લેવા ગયા એવા બહાના પણ બતાવ્યા. ભુજમાં અંદાજે દોઢસોથી વધુ મેડિકલ સ્ટોર છે, તેમાં માત્ર ત્રીસ જેટલી દુકાનોમાં જ કેમ ફાર્માસિસ્ટ છે એવું પૂછતા કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના માનદમંત્રી કિરીટ પલણે જણાવ્યું કે, આ પ્રશ્ન હશે, પરંતુ એનો વિકલ્પ વિચારવો જોઈએ. અમે ઘણા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, પાંચ કે તેનાથી વધુ વર્ષના અનુભવી ગ્રેજ્યુએટ વ્યક્તિને બે વર્ષ જેવો કોર્ષ અને ટેસ્ટ લઈ તેને માન્યતા આપવી જોઈએ. દિવસો દિવસ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર વધે છે, પરંતુ ફરમસિસ્ટ એટલી સંખ્યામાં નથી મળતા તો સમસ્યા તો રહેવાની જ.

અમે ચેકીંગ હેતુથી સ્પેશિયલ ડ્રાઇવ કરવાના છીએ : ડ્રગ ઇન્સ્પેક્ટર
સમગ્ર કચ્છ જિલ્લાના અંદાજે પાંચસોથી વધુ દવાની દુકાનો નિયમનુસાર છે કે નહિ તેના પર નજર રાખતા ડ્રગ ઇન્સ્પેક્ટર તેજલબેન મહેતાએ જણાવ્યું કે, આવી ફરિયાદો આવતી હોય છે અને અમે સરપ્રાઇઝ ચેકીંગ પણ કરીએ છીએ. આગામી નજીકના દિવસોમાં જ કચ્છમાં ચેકીંગ ડ્રાઇવ ગોઠવશુ. તેમજ કાયદાકીય કાર્યવાહી પણ કરીશું. એક જ દુકાનદાર છ મહિનામાં બે કે ત્રણ વખત નિયમભંગ કરે તો લાયસન્સ કેન્સલ કરવા સુધીની જોગવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...