રાસ ગરબાના બદલે જુગાર!:માંડવીમાં નવરાત્રિના તહેવારમાં ભાજપના નગરસેવિકા સહિત 8 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ બાતમીના આધારે માંડવીના બાબાવાડી વિસ્તારમાંથી જુગરધામ પકડાયું

પશ્ચિમ કચ્છના દરિયા કિનારાના માંડવી શહેર ખાતેથી ગઈકાલે રાત્રે પોલીસે ભાજપના નગરસેવિકા સહિત 8 જેટલી મહિલાઓને 51 હજાર રોકડ રકમ સાથે ઝડપી પાડી હતી. નવરાત્રિમાં રાસ ગરબાના બદલે જુગાર રમતી ઉચ્ચ વર્ગની મહિલાઓના પકડાઈ જવાના સમાચારથી જિલ્લામાં ચર્ચા વ્યાપી ગઈ હતી.

આ અંગે માંડવી પોલીસ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બાબાવાડી વિસ્તારના સુમતીનાથ કોમ્પલેક્સમાં ત્રીજા માળે આવેલા મકાનમાં સાંજે 8 વાગ્યા બાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં ગંજીપાના 52 પત્તાં સાથે તીનપત્તીનો જુગાર રમી રહેલી હંસાબેન દિલીપભાઈ ઠકકર, નગરસેવિકા ક્રિષ્નાબેન તરુણભાઈ ટોપરાણી, પ્રભાબેન સુંદરજી સલાટ, મંજુલાબેન નારણ વેકરિયા, ભારતીબેન ભારતભાઈ સલાટ, વસુબા રતનસિંહ જાડેજા,રામતબાઈ આદમ કેચા અને હર્ષિદાબેન સંજય ખત્રી સહિતની મહિલાઓને પડમાં રહેલા રૂ. 51 હજારની રોકડ અને રૂ. 61 હજારની કિંમતના 5 મોબાઈલ ફોન સહિતના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવી હતી. તેમની સામે જુગરધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી આ જુગારધામ ચાલી રહ્યાની ચર્ચા શહેરમાં ફેલાયેલી હતી ત્યારે ઇન્ચાર્જ પીઆઇ આર સી ગોહિલ દ્વારા આઠમની રાત્રે 8 મહિલાઓને જુગરધારા હેઠળ ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ક્રિષ્નાબેન ટોપરાણી ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવિકા છે.

અન્ય સમાચારો પણ છે...