પુરસ્કાર:8 કચ્છી સર્જકોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પસંદગી: દિવ્ય ભાસ્કરના કટાર લેખકને વધુ અેક પુરસ્કાર જાહેર

કચ્છી ભાષા-સાહિત્યના વર્ષ 2018 અને 2019ના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક માટે 8 કચ્છી સર્જકોની પસંદગી કચ્છી સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા કરાઇ છે અને તેમને રોકડ પુરસ્કાર અાપવામાં અાવશે. વાર્તા વિભાગમાં વિશ્રામ ગઢવીના પુસ્તક અોમાણ પ્રથમ (રૂ.11000), ડો.રમેશ ભટ્ટના પુસ્તક ઉગ્યા કંધા દ્વિતીય (રૂ.7,000) અને રમેશ રોશિયાના પુસ્તક રાણા રાઇ તૃતીય (રૂ.5,000) તેમજ કવિતા વિભાગમાં પબુ ગઢવીના હિયાંરીને પ્રથમ (રૂ.11,000), ડો.કાંતિ ગોર અારીસે જી અારપાર દ્વિતીય (રૂ.7,000) અને બાળ કવિતા વિભાગમાં ડો.મંજુલાબેન ભટ્ટના ગભૂરેં જ્યું ગાલિયું પુસ્તકને તૃતીય (રૂ.5,000), 2019 માટે નાટક વિભાગમાં ડો.કાંતિ ગોરના હકલ કરે હિંયારીને પ્રથમ, વાર્તા વિભાગમાં મુન્દ્રાના શામજી મહેશ્વરીને જુધાઇજી પીડા-2 માટે દ્વિતીય, કવિતા વિભાગમાં નલિયાના હરેશ દરજીના પુસ્તક ધીયરું પ્રથમ તેમજ નિબંધ વિભાગમાં વિશ્રામ અેમ.ગઢવીના પુસ્તક ખીરોલાને દ્વિતીય પુરસ્કાર જાહેર કરાયો છે.

વર્ષ 2010થી 2015 સુધી દિવ્ય ભાસ્કરમાં વલો કચ્છ કોલમના લેખન સંપાદક ડો.રમેશ ભટ્ટના વાર્તા સંગ્રહ ઉગ્યા કંધા (તરસ્યા કાંઠા)ને 2019નું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર થયું છે. સાથે-સાથે તેમના ધર્મપત્ની સ્વ.ડો.મંજુલા ભટ્ટના પુસ્તક ગભૂરે જ્યું ગાલિયું ને પણ પારિતોષિક જાહેર થયું છે. ડો. રમેશ ભટ્ટને તાજેતરમાં 2020નો કચ્છી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર કચ્છી સાહિત્ય ગાૈરવ પુરસ્કાર જાહેર થયું છે. તેઅો છેલ્લા 40 વર્ષથી કચ્છી ભાષામાં ગદ્ય-પદ્યમાં અજોડ ખેડાણ કરી રહ્યા છે. તેમની 2015માં બંધ પડેલી કોલમ વલો કચ્છનો તા.22-9થી અારંભ થઇ રહ્યો છે.

પબુ કરસન ગઢવી મૂળ માંડવી તાલુકાના કાઠડાના અને હાલે ભુજ રહે છે તેમણે કચ્છ, ગુજરાત તેમજ રાજ્ય બહાર 500 જેટલા કવિ સંમેલનોમાં ભાગ લીધો છે. તેમણે ‘હીંયારી’ કચ્છી કાવ્ય સંગ્રહ, ‘સંબંધ’ગુજરાતી કાવ્ય સંગ્રહ, ‘मधुर समंदर ‘ હિન્દી કાવ્ય સંગ્રહ, ‘વેંઢાર’ કચ્છી કાવ્ય સંગ્રહ, સહિત કચ્છી, ગુજરાતી, હિન્દી સાહિત્ય ક્ષેત્રે પ્રદાન અાપ્યું છે અને તેમને અત્યાર સુધી તારામતી વિસનજી ગાલા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અને કચ્છ શક્તિ સાહિત્ય રત્ન રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.

માંડવી તાલુકાના મોટા લાયજાના વિશ્રામ અેમ.ગઢવી 7 કચ્છી પુસ્તકોનું સર્જન કર્યું છે અને તેમને કચ્છી સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરવા બદલ બે વખત તારામતી વિશનજી ગાલા કચ્છી સાહિત્ય કલા પુરસ્કાર સહિત વિવિધ પારિતોષિક મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...