તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:મોટી ચીરઈમાં કોરોનાના દર્દીઓ માટે 8 બેડનું ઓક્સિજન સહિતનું કોવિડ કેર સેન્ટર તૈયાર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના સહયોગથી સ્થાનિક કંપનીની ઓક્સિજન સિલિન્ડરની ઉત્પાદન ક્ષમતા ડબલ થઈ

મારુ ગામ કોરોના મુક્ત ગામ પહેલ અંતર્ગત મોટી ચીરઇ ગામ કે જ્યાં કોરોનાને મ્હાત આપવા સરપંચ તેમજ ગ્રામજનો સૌ સાથે મળીને કોરોના સામે જીત મેળવવા પ્રયાસો કરી રહ્યા છે.સરપંચ હરપાલસિંહ જાડેજા અને ગ્રામ પંચાયતના પ્રયાસ થકી ગામમાં જ 8 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. નવાઇની વાત એ છે કે આવા નાનકડા ગામમાં ઓક્સિજનની સુવિધા સાથે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત અન્ય તમામ સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જરૂરી તમામ દવાઓ પણ પી.એચ.સી. માંથી મંગાવી પેશન્ટને આપી શકાય તેવી સુચારું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળ માંથી રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કિટ પણ મંગાવવામાં આવી છે. જે અન્વયે ગ્રામ લેવલે જ શંકાસ્પદ લક્ષણો જણાતા વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત પંચાયત દ્વારા કોરોનાના અંગે માર્ગદર્શન આપવા માટે માઇક સિસ્ટમ દ્વારા સંદેશો આપવામાં આવે છે તેમજ વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ સંદેશાઓ લોકો સુધી વહેતા કરવામાં આવે છે.

ગામના અગ્રણીઓ દ્વારા ગામની સીમમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી ગોપીનાથ ઓક્સિજન કંપનીની મુલાકાત કરી હતી. જ્યાં રોજના 750 ઓક્સિજન સિલિન્ડરનું ઉત્પાદન થતું ત્યાં ગામના સહકાર થકી નવો પ્લાન્ટ શરૂ કરી ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો ડબલ કરી 1500 કરવામાં આવ્યો છે. આ કંપની દ્વારા હોમ ક્વોરંટાઇન થયેલા લોકોને નિ:શુલ્ક સિલીન્ડર પુરા પાડવામાં આવે છે તથા આરોગ્ય વિભાગની જરૂરિયાત અનુસાર સરકારી તેમજ ખાનગી દવાખાનામાં ઓક્સિજન સિલીન્ડરનો જથ્થો પુરો પાડવામાં આવે છે.

ગ્રામ પંચાયત અને ખાનગી કંપનીના સહયોગથી રાશન કીટ ઘરે-ઘરે પહોંચાડવામાં આવે છે જેથી લોકોનું બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું પ્રમાણ ઘટાડી શકાય. ઉપરાંત રાશનની દુકાનો,પેટ્રોલ પંપ તેમજ અન્ય સ્થળોએ ગોળ રાઉન્ડ કરી સોશિયલ ડિસ્ટનસીંગ નું પાલન કરવામાં આવે છે. આખા ગામનું અવાર-નવાર સેનેટાઈઝીંગ પણ કરવામાં આવે છે. ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો છે કે ફેરિયાઓને ગામમાં હાથના મોજા વિના પ્રવેશ કરવા પર પાંચસો રૂપિયાનો દંડ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...