હર ઘર દસ્તક અભિયાન:બીજો ડોઝ ન લેનારા લોકોને રસી આપવા 742 વેક્સિનેટર મેદાને

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના એકલ-દોકલ કેસો આવતા હોવાથી જિલ્લા તંત્ર દ્વારા વેક્સિનેશન પર મુકાયો ભાર

કચ્છ જિલ્લામાં કોરોના વેકસીનેશનની કામગીરીને વેગ આપવા માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારના હર ઘર દસ્તક અભિયાનની અમલવારી કચ્છ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે,જે અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને ઘરનો દરવાજો ખટખટાવી રસી આપવામાં આવશે.ખાસ તો બીજા ડોઝથી વંચિત લોકોને વેકસીન આપવા માટે આ આયોજન ઘડવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લામાં કુલ 16,38,318 લોકોને રસી આપવાનું આયોજન છે. જેની સામે પ્રથમ ડોઝ 14.22 લાખ જ્યારે સેકન્ડ ડોઝ 7.68 લાખ લોકોએ મુકાવ્યો છે. જોકે પ્રથમ ડોઝની રસી મુકાવનારા ઘણા લોકો બીજો ડોઝ મુકાવવા માટે આગળ આવ્યા નથી. નીતનવા બહાના બતાવી આ વર્ગ દ્વારા વેકસીન લેવા મુદ્દે આનાકાની કરવામાં આવતી હોય છે ત્યારે જિલ્લામાં બીજા ડોઝથી વંચિત લોકોને રસી આપવા માટે હર ઘર દસ્તક અભિયાનની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું કે,જિલ્લામાં પ્રથમ ડોઝની રસી મુકાવનારા અંદાજે 3 લાખ લોકોએ બીજા ડોઝની રસી મુકાવી નથી. હાલમાં જ્યારે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે બીમારીથી બચવા માટે વેકસીનના બંને ડોઝ મુકાવવા આવશ્યક છે. જેથી હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત જિલ્લામાં સેકન્ડ ડોઝથી વંચિત 3 લાખ લોકોને રસી આપવા માટે 742 વેકસીનેટર બે - ત્રણ દિવસથી ઘરે ઘરે ફરીને રસી આપી રહ્યા છે.જેમાં પ્રતિસાદ મળી રહ્યો છે.

રસીકરણ અને પરીક્ષણની 100 ટકા કામગીરી માટે દરેક તાલુકામાં લાયઝન અધિકારી નિમાયા
કચ્છ જિલ્લામાં કોરોના રસીકરણ અને સેમ્પલની 100 ટકા કામગીરી માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા દસેય તાલુકામાં લાયઝન અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.જેમાં ભુજમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક કુમાર માઢક, પી.એમ.જે.વાય.ના પ્રોજેકટ ઓફિસર બિપિન આહીર,અબડાસામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર,નખત્રાણામાં આર.સી.એચ.અધિકારી ડો.જે.એ.ખત્રી,અંજારમાં જિલ્લા ક્ષય અધિકારી ડો.મનોજ દવે,ભચાઉમાં જિલ્લા ક્વોલોટી મેડિકલ ઓફિસર ડો.અમીન અરોરા,

માંડવીમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.કેશવકુમાર સિંઘ,ગાંધીધામમાં જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઈ દુર્ગાણી,લખપતમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.ભંવર પ્રજાપતી,મુન્દ્રામાં બિનચેપી રોગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વિપુલ દેવમુરાણી અને રાપરમાં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નૈનેશ પટેલને મુકવામાં આવ્યા છે.આ અધિકારીઓએ ફાળવેલા તાલુકાઓમાં આરોગ્યના તમામ પ્રોગ્રામનું સુપરવિઝન કરવાનું રહેશે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ શનિવારે જાહેર કરેલા હુકમમાં જણાવ્યું હતું.

રવિવારે જાહેર રજા છતાં કામગીરી ચાલુ
તાજેતરમાં આરોગ્ય કર્મચારીઓએ નિર્ણય કર્યો હતો કે,રવિવારે જાહેર રજા હોવાથી તેઓ વેકસીનેશનની કામગીરીથી અળગા રહેશે. જોકે, હાલમાં બીજા ડોઝ માટે ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું હોવાથી જાહેર રજાના દિવસે પણ રસીકરણની કામગીરી માટે ભાર મુકાયો છે. રવિવારે રજા હોવાથી લોકો ઘરે હોય છે.જેથી આ દિવસે વધુ રસીકરણ થઈ શકે તેમ હોવાથી આરોગ્ય કર્મચારીઓને આજે પણ રસીકરણની કામગીરી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

સપ્તાહ સુધી મહાઝુંબેશ : લોકો મહત્તમ સહકાર આપી અભિયાનને સાર્થક બનાવે
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને રસીકરણ અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે,સેકન્ડ ડોઝથી વંચિત લોકોને રસી આપવા માટે સપ્તાહ સુધી મહાઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દૈનિક 30 હજાર રસીના ડોઝ આપવાનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે.પ્રથમ ડોઝ મુકાવ્યા બાદ 84 દિવસ વીતી ગયા હોય તેવા લોકોને પ્રથમ અગ્રતા આપી વેકસીન આપવામાં આવશે. આ માટે આરોગ્ય કર્મચારીઓ આપના ઘરે આવે ત્યારે સહકાર આપીને વેકસીનના ડોઝ મુકાવવા માટે અનુરોધ કર્યો હતો.રસીના બંને ડોઝ લેવાથી બીમારી સામેનો ખતરો ટળી જાય છે.

દરેક તાલુકાના સર્વેના આધારે ઘડાયું આયોજન
તાજેતરમાં રસીકરણ મુદ્દે દરેક તાલુકામાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પીએચસી વાઇઝ કયા ગામમાં અને શહેરમાં કેટલા વ્યક્તિએ પ્રથમ અને બીજા ડોઝની રસી મુકાવી નથી. તેનો અહેવાલ તૈયાર કરી જિલ્લામાં સુપરત કરાયો હતો ત્યારે આ સર્વેના તારણના આધારે ગામડે ગામડે આરોગ્ય ટીમો દ્વારા રસી આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...