ભચાઉ તાલુકાના લખાપર ગામ ખાતે ગુમ થઇ ગયા બાદ પડોશના બંધ મકાનમાંથી 7 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઇજાઓ સાથે મળેલા મૃતદેહને કારણે અનેક આશંકાઓ વચ્ચે સામખીયારી પોલીસ, એસઓજી અને એલસીબીએ અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે.
આરોપીને ગઈકાલે જ ઉપાડી લેવાયો હતો
બાળકીનો મૃતદેહ મળતા પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને સામખીયારી પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે ખાનગી બાતમીને આધારે શકમંદોને પુછપરછ માટે ઉઠાવી લેવાયા હતા. જેમાં વિજય પ્રતાપભાઈ કોલી(મહાલીયા) રહે-લખાપરને ગઈકાલે હરીપર માળીયા પાસેથી પકડીને યુક્તિ પ્રયુક્તિથી સઘન અને ઉંડાણપૂર્વકની પુછપરછ કરી હતી. તેથી ભાંગી પડેલા આરોપીએ બાળકીનું નાક, મોઢું અને ગળું દબાવી દુષ્કર્મના ઈરાદે હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી.
27મીએ બંધ મકાનમાં બાળકીનો મૃતદેહ મળ્યો હતો
7 વર્ષીય માસૂમ બાળકી ગુમ થયા બાદ તેનો મૃતદેહ પડોશના બંધ મકાનમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ માટે જામનગર મોકલાયા બાદ મૃત બાળકીની અંતિમવિધિ કરાઈ હતી. અરેરાટી ઊભી કરનાર બનાવને અંજામ આપનારા આરોપીઓને તાત્કાલિક પકડી પાડી અને કડક સજા કરવા માંગ ઉઠી હતી.
આજે રિપોર્ટ આવવાનો હતો
જામનગરથી રિપોર્ટ આજે આવવાનો છે ત્યારે રિપોર્ટ પહેલા જ પોલીસે દુષ્કર્મ અને હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. બાળકીની મળેલી લાશ પરની ઈજાને પગલે તેની સાથે કંઈક ખોટું થયાની આશંકા હતી. જે સાચી ઠરી છે.
(તસવીર- રમજૂ છત્રા સામખીયારી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.