તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:10માંથી 7 તાલુકામાં બાળરોગ નિષ્ણાત જ નથી!

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરમાં બાળકો ઝપેટમાં અાવશે તો કચ્છને ખતરો
  • છેવાડે અાવેલા દયાપરમાં સરકારી તો ઠીક બાળકોને લગતી નાની ખાનગી હોસ્પિટલ પણ નથી ! સારવાર માટે કા નખત્રાણા અથવા ભુજ અાવવું પડે
  • જિલ્લામાં બાળ અારોગ્ય અંગે સરકારની કંગાળ સ્થિતિ: કેટલીક સરકારી હોસ્પિટલમાં ખાનગી તબીબની લેવાતી સેવા પણ હાલ કોરોના કાળમાં બંધ

કોરોનાની બીજી લહેર અંત ભણી છે. પરંતુ નિષ્ણાંતોઅે ત્રીજી લહેરની પણ શકયતા વ્યક્ત કરી છે. અને ખાસ કરીને ત્રીજી લહેરમાં બાળકો સંક્રમણનો ભોગ બને તેવી પણ સંભાવના છે. તેના લીધે કેન્દ્ર અને રાજ્ય સરકારોઅે ત્રીજી લહેરની તૈયારીઅો પણ શરૂ કરી દીધી છે. પરંતુ કચ્છની વાત કરવામાં અાવે તો અહીં ચોંકાવનારી સ્થિતિ છે. જિલ્લાના 10 તાલુકાઅોમાં ભુજ,માંડવી અને ગાંધીધામને બાદ કરતા બાકીના 7 તાલુકાના મુખ્ય સરકારી દવાખાનામાં બાળરોગ નિષ્ણાંત તબીબ જ નથી ! જેના પગલે જો ત્રીજી લહેર અાવી અને જો બાળકો ભોગ બનવાના શરૂ થયા તો કચ્છમાં ભયંકર સ્થિતિ સર્જાઇ શકે છે.

અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં પહેલાથી જ અારોગ્ય અને શિક્ષણની પુરતી સુવિધા અાપવામાં સરકાર સરેઅામ નિષ્ફળ ગઇ છે. જિલ્લાના તમામ સીઅેચસી, પીઅેચસી અને પેટા અારોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની ભયંકર ઘટ છે. કોરોના કાળમાં પણ સરકાર તબીબી અને નર્સિંગ સ્ટાફની ભરતી કરી શકી નથી. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં અાવી રહી છે. તેમાં બાળકો તેનો ભોગ બને તેવી પણ શક્યતા છે. પરંતુ કચ્છમાં બાળકોના અારોગ્ય માળખા અંગે સરકાર સુવિધા ઊભી કરી શકી નથી. દયાપર, નલિયા, મુન્દ્રા, નખત્રાણા, રાપર, ભચાઉ અને અંજારમાં પીડિયાટ્રીશિયન ( બાળરોગ નિષ્ણાંત) નથી ! જ્યારે ભુજ, ગાંધીધામ અને માંડવીમાં પીડિયાટ્રીશિયન છે.

દયાપરમાં તો અેવી ચોંકાવનારી સ્થિતિ છે કે અહીં તો કોઇ પ્રાઇવેટ પીડિયાટ્રીશિયન પણ નથી ! જેના પગલે બાળ દર્દીને કા તો નખત્રાણા ખાનગી હોસ્પિટલમાં અથવા છેક ભુજ લઇ અાવવામાં અાવે છે ! ભચાઉમાં તો વર્ષોથી બાળરોગ નિષ્ણાંતની જગ્યા ખાલી છે. અંજારમાં કોવિડ પહેલા ખાનગી તબીબની સેવા લેવામાં અાવતી હતી. પરંતુ છેલ્લા અેક વર્ષથી અે સેવા પણ બંધ છે. નખત્રાણામાં કોરોનાકાળ પહેલા પીડિયાટ્રીશિયનની જગ્યા ભરાયેલી હતી. પરંતુ તેની બદલી બાદ તાલુકામાં કોઇ બાળ રોગ નિષ્ણાંત નથી. તેની અહીં પણ લોકોને ફરજીયાત ખાનગી હોસ્પિટલમાં જવુ પડે છે. રાપર, નલિયા, મુન્દ્રામાં પણ કા ટ્રસ્ટ અથવા ખાનગી હોસ્પિટલમા બાળકોની દવા લેવા જવું પડે છે.

કોરોના તો હવે અાવ્યો પણ કચ્છમાં બે વર્ષમાં 1803 ભુલકાના મૃત્યુના બનાવો બની ચૂક્યા
કોરોના પહેલા પણ કચ્છમાં બાળ અારોગ્યની સ્થિતિ દયનીય છે. બાળકોને સમયસર અને યોગ્ય સારવાર ન મળવાના લીધે કચ્છમાં વર્ષે 800થી 900 બાળકો મોતને ભેટે છે. ખુદ સરકારે જ અા માહિતી વિધાનસભામાં અાપી હતી. કચ્છમાં વર્ષ 2019માં 948 બાળ મૃત્યુના બનાવો બન્યા હતા. તો વર્ષ 2020માં અા અાંકડો 855નો હતો. અામ બે વર્ષમાં 1803 બાળમૃત્યુના બનાવો બન્યા હતા. નોંધનીય છે કે જિલ્લાની મુખ્ય જીકે હોસ્પિટલમાં પણ બાળ મૃત્યુદર ઊંચો છે. બાળકોના મોતની વધારે સંખ્યાના લીધે ખાસ અદાણી હોસ્પિટલમાં તપાસ કરવા બે વર્ષ પહેલા રાજ્ય સરકારે ખાસ સમિતિ રચી હતી. તો કેગે પણ જીકેમાં બાળકોની સારવાર અંગે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...