તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા:અંજારમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, મોડેલ સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ સાથેની રીક્ષા ફસાઇ, શિક્ષકોએ રેસ્ક્યૂ કર્યા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી
  • નવા નિરથી પશુપાલનમાં ફાયદો થવાથી રાહત

કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ બન્ને વિભાગમાં ગઈકાલ સાંજ સુધી ભારે ઝાપટારૂપી વરસાદથી ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા, વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. ગત સાંજથી શરૂ થયેલો જોરદાર વરસાદ આજ વહેલી સવાર ઝરમર રૂપે ચાલુ રહ્યો હતો. અંજારમાં જીઆઇડીસી પાછળ આવેલી સરકારી મોડેલ સ્કૂલના જાહેર માર્ગ પર વરસાદના ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાયા હતા. આજે સવારે એક વિદ્યાર્થીઓ સાથેની સ્કૂલ રીક્ષા રસ્તા પરના ખાડામાં ફસાઈ હતી. તકેદારી માટે ઉભેલા શિક્ષકોએ તમામ છાત્રોને માનવ સાંકળ રચી રેસ્ક્યુ કર્યા હતા.

24 કલાકમાં અંજારમાં 7 ઇંચઆજ સવારના 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ અંજારમાં 7 (166મિમી) ઇંચ, ગાંધીધામ 3 ઇંચ (82 મિમી), નખત્રાણા 6 મિમી, ભચાઉ પોણા 2 ઇંચ(42 મિમી), ભુજ 2 ઇંચ(51મિમી), મુન્દ્રા સવા 3 ઇંચ (84 મિમી), માંડવી 2 ઇંચ (52 મિમી), રાપર 9 મિમી, અને સૌથી ઓછો છેવાડાના લખપતમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.

શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજારમાં સાંજે શરૂ થયેલા વરસાદથી શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. અનેક જાહેર માર્ગો સાથે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગાંધીધામના ભરતનગર વિસ્તારના આશાપુરા સોસાયટી સામે વલ્લભનગર સહિતના વિસ્તારોમાં આવેલા નાળાઓની ગાંધીધામ નગર પાલિકાની દબાણ શાખા અને સેનેટાઇઝ વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રેકટર જેસીબી સહિતના સાધનો વડે નાળાની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને ભરાયેલા પાણી ઓસર્યા હતા એવું સુધારાઈના લોકેન્દ્ર શર્માએ જણાવ્યુ હતું.

વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડીઅંજારમાં દિવસ દરમિયાન પડેલા વરસાદ બાદ સાંજના સાડા છ વાગ્યાથી એકાએક તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદે રાત્રીના નવ વાગ્યા સુધીમાં 4 ઇંચ અને આજ સવાર સુધીમાં 7 ઇંચ વરસાદ વરસી જતા અનેક સ્થળોએ પાણી ભરાઈ જવા સહિતની મુશ્કેલી ખડી થવા પાણી છે. શહેરના અનેક જાહેર માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાયાઅંજારથી પીયૂષભાઈ આહીરના જણાવ્યા અનુસાર શહેરની જીઆઇડીસી પાછળ આવેલી સરકારી મોડેલ સ્કૂલના જાહેર માર્ગ પર વરસાદના ત્રણ થી ચાર ફૂટ સુધી પાણી ભરાયેલા હોવાથી આજે સવારે એક વિદ્યાર્થીઓ સાથેની સ્કૂલ રીક્ષા રસ્તા પરના ખાડામાં ફસાઈ જતા મુશ્કેલી ખડી થઈ હતી અને 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. તકેદારી માટે ઉભેલા શિક્ષકોએ તમામ છાત્રોને માનવ સાંકળ રચી રેસ્ક્યુ કર્યા હતા. અને મહા મહેનતે છોકરાઓને બચાવ્યા હતા. આ ઘટના બાફ ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓને પરત જતા રહયા હતા. બચાવ કામગીરી દરમિયાન વરસાદી પાણીમાં નાના મોટા સાપ વહેતા જોવા મળતા ભયમાં વધારો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અંજારની મોડેલ સ્કૂલમાં ચાર વર્ષથી વરસદી પાણી ભરાવવા ની સમસ્યા છે જેના નિરાકરણ માટે ખુદ શાળા સંચાલકોએ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ નિવારણ થતું ન હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...