નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ કચ્છમાં પીજીવીસીએલ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરાઇ છે જેના ભાગ રૂપે ચાલુ સપ્તાહના ચાર દિવસમાં 63.36 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. ભુજ, નખત્રાણા, માંડવી, મુન્દ્રાની વિભાગીય કચેરીઓ તળે આવતા વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઇવ હાથ ધરાઇ હતી. ઝુંબેશના પ્રથમ દિવસે તા. 11/4ના નખત્રાણા અને માંડવી ડિવિઝન તેમજ મુન્દ્રા ગ્રામ્યમાં રહેણાક અને વાણિજ્યિકના મળીને 683 જોડાણ ચકાસાયા હતા જે પૈકી 78માં વીજ ચોરી માલૂમ પડતાં 16.75 લાખના દંડ સહિતના બિલ ફટકારવામાં આવ્યા હતા.
બીજા દિવસે ભુજ શહેર, ગ્રામ્ય અને ભુજોડી વિસ્તારમાં ઉતરેલી ચેકિંગ ટુકડીઓએ 913 કનેક્શન ચકાસ્યા હતા જેમાંથી 85 જોડાણમાં બિન અધિકૃત રીતે વીજ વપરાશ થતો હોવાનું જણાયું હતું. આવા ગ્રાહકોને 15.63 લાખના ચોરીના બિલ અપાયા હતા. ત્રીજા દિવસે તા. 13ના ફરી આજ વિસ્તારોમાં ટીમો ત્રાટકી હતી અને દિવસ દરમિયાન ઘર વપરાશ તેમજ કોમર્શિયલ કેટેગરીના 851 જોડાણનું ચેકિંગ હાથ ધરાયું હતું જે પૈકી 76 કનેકશનમાં ગેરરીતિ પકડાઇ જતાં 18.77 લાખના દંડ સાથેના બિલ ફટકારાયા હતા. ચોથા દિવસે તા. 16ના ખાવડા, ભુજોડી તેમજ કુકમા સહિતના વિસ્તારોમાં 347 કનેકશન ચકાસાયા હતા જે પૈકી 27માં વીજ ચોરી પકડાતાં ગ્રાહકોને 12.21 લાખના બિલ ફટકારાયા હતા.
આમ કચ્છમાં ચાર દિવસમાં ઘર વપરાશ અને કોમર્શિયલ મળીને 2794 જોડાણનું ચેકિંગ કરાયું હતું જેમાં 266 કનેક્શનમાં ગેરરીતિ જણાતાં કુલ્લ 63.36 લાખના દંડ સહિતના બિલો ફટકારવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ઝુંબેશ જારી રહેશે તેની સાથે વસૂલાત અભિયાન પણ છેડાશે તેમ ભુજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર અમૃત ગરવાની યાદીમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.