રાહત:મહારાષ્ટ્રમાં કાયદાના આટાપાટામાં ફસાયેલા કચ્છના 58 ઊંટ અને માલધારીઓ અંતે મુક્ત

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંટોને વેચવા જઇ રહેલા કચ્છના માલધારીઓનેપશુઓના કતલ માટે લઇ જવાનો હતો આક્ષેપ
  • સેસન્સ કોર્ટ દ્વારા ઊંટને મૂક્ત કરવાના આદેશ અપાયા બાદ પણ કહેવાતા જીવદયા પ્રેમીઓ દ્વારા આદેશને પડકારવામાં આવ્યો હતો

મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટપાલકોને તેમના 58 ઊંટ સહીત મુક્તિ મળી છે. અમરાવતીની સેસન્સ કોર્ટ દ્રારા ગઇ તારીખના રોજ ઊંટને મૂક્ત કરવા આદેશ કરાયો હતો, પરંતુ સ્થાનિક લોકો દ્વારા અને કેટલાક કહેવાતા જીવદયા પ્રેમીઓ દ્વારા આદેશને પડકારવામાં આવ્યો હતો, જેના પર હંગામી સ્ટે અોર્ડર મળતા વધુ 20 દિવસ સુધી માલધારીઓએ હાલાકી ભોગવવી પડી હતી. છેવટે અમરાવતીની જિલ્લા અદાલતે પણ ઊંટોને છોડી મુકવાનો આદેશ કરતા બે દિવસ પહેલા કચ્છના રબારી માલધારીઓને પોતાના ઊંટોનો કબ્જો મળ્યો હતો.

મળતી વિગતો મુજબ 8મી જાન્યુઆરીના રોજ કચ્છથી મહારાષ્ટ્રના વિદર્ભમાં નાગપુર તરફ રબારી માલધારીઓ ઊંટનું વેચાણ કરવા જઇ રહ્યા હતાં. ત્યારે પાંચ માલધારીઓને અમરાવતીમાં આ ઊંટ રાજસ્થાનથી હૈદાબાદ કતલ કવાના ઇરાદે લઇ જઇ રહ્યા છે તેવી શંકાના આધારે તેમની ઘરપકડ કરવામાં આવી હતી. જોકે હવે ત્યાંની જિલ્લા અદાલતે સેસન્સ અદાલતના ચુકાદાને માન્ય રાખતા કહેવાતા જીવદયા પ્રેમીઓની અરજીને કાઢી નાખી હતી. ઊંટોને મુક્ત કરવાના આ હુકમમાં જિલ્લા અદાલતે કેટલીક શરતો સાથે ઊંટોને છોડયા છે. તે મુજબ જયાં સુધી આ કેસનો અંતિમ ચુકાદો ના આવે ત્યાં સુધી માલધારીઓએ દર રવિવારે ઊંટોનું સ્થળ અને સ્થિતિ વિશે વાકેફ કરવા પડશે. આ માટે વેટરનરી ડોક્ટર દ્વારા તમામ ઊંટને ટેક લગાવવામાં આવ્યા છે.

ઊંટોને મુક્ત કરવા માટે તેના ખોરાક અને રખરખાવ ખર્ચ પેટે પ્રતિ ઊંટ દૈનિક 200 રૂપિયાના હીસાબે નિભાવ ખર્ચ ચુક્વવા જણાવ્યુ છે, જે મુજબ માલધારીઓ દ્રારા આશરે ચાર લાખ રૂપિયાનો ખર્ચ પાંજરાપોળને ચૂકવવો પડ્યો છે. ઊંટો અને માલિકો મુક્ત થતા કચ્છ અને મહારાષ્ટ્રના રબારી માલધારીઓ અને ઊંટ પાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્રણી તારાચંદભાઇ છેડા તેમજ કચ્છના જૈન અગ્રણીઓ અને અન્ય માલધારી આગેવાનોએ મહારાષ્ટ્રમાં ઊંટોને છોડી મુકવા પ્રયાસો કર્યા હતા. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન તેમજ સહજીવન સંસ્થાએ પણ આ માટે સ્થાનિક અને મહારાષ્ટ્રમાં જરૂરી કાર્યવાહી કરવા જહેમત કરી હતી તેવું સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટીઅે જણાવ્યું હતું.

કહેવાતા જીવદયાપ્રેમીઓની દલીલ ફગાવાઇ
ચુકાદામાં કોર્ટે જણાવ્યું છે, આ તમામ ઊંટ રાજસ્થાનના નહી પરંતુ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના છે, તેવુ પુરાવાઓને આધારે સ્પષ્ટપણે જણાઈ આવે છે. અરજદારોએ આ તમામ ઊંટોની કસ્ટડી પોતાની પાસે લઇ ઊંટોને રાજસ્થાન લઇ જવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે નોંધ્યું કે જયારે માલિકી સ્પષ્ટ થઈ ગઈ છે, અને કોઇ પણ પ્રકારની ક્રુરતા થઇ હોય તેવું જણાઈ આવતુ નથી જેથી ઊંટોને અન્ય લોકોના હાથમાં સોંપી શકાય નહી.

એક ઊંટનું મોત થતા પાંજરાપોળ સામે કેસ કરાશે
કોર્ટના આદેશ બાદ કચ્છના માલધારીઅોઅે ઊંટોનો કબ્જો મેળવ્યો હતો. જોકે કબ્જો મળ્યા પછી તરત જ એક ઊંટનું મરણ થતા માલધારીઓ દ્વારા પાંજરાપોળ સામે બેદરકારીનો કેસ દાખલ કરવાની તજવીજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...