વિદ્યાર્થીઓને રસીમાં પડ્યો રસ:પ્રથમ દિવસે 51,327 છાત્રએ મુકાવ્યો ડોઝ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 34 ટકા કામગીરી સાથે રાજ્યમાં કચ્છ મોખરે,આજે પણ ઝુંબેશ જારી
  • ક્યાંક ગભરાટ તો ક્યાંક ઉત્સાહ વચ્ચે રસી મુકાવ્યા બાદ બાળકોમાં આત્મવિશ્વાસનો થયો સંચાર

દેશભરમાં 15 થી 18 ની વયજૂથમાં આવતા કિશોર અને કિશોરીઓને કોરોના સામે રક્ષણ આપતી કોવેકસીન રસી આપવાની કામગીરીનો સોમવારથી આરંભ કરવામાં આવ્યો છે,પ્રથમ દિવસે જ કચ્છમાં વિદ્યાથીઓએ રસી લેવા માટે ઉત્સાહ દાખવતા મહત્તમ 51327 છાત્રોએ રસી મુકાવી હતી આ સાથે કચ્છ જિલ્લો રાજ્યમાં રસીકરણની કામગીરીમાં ડોઝ આપવામાં અગ્રસ્થાને આવ્યો હોવાનો સીડીએચઓ દ્વારા જણાવાયું હતું. જિલ્લામાં કુલ 526 શાળાઓમાં 900 વેકસીનેટર દ્વારા વિદ્યાથીઓને રસી આપવામાં આવી હતી.કચ્છમાં કુલ 1,49,200 કિશોર અને કિશોરીઓને રસી આપવાનો ટાર્ગેટ છે જેમાં 90,063 બાળકો શાળાએ જાય છે જ્યારે 59,137 લાભાર્થીઓ શાળાએ જતા નથી.પ્રથમ દિવસે જિલ્લામાં 51,327 લોકોને રસી આપવામાં આવી છે.

ભુજમાં વી.ડી.હાઈસ્કૂલ ખાતે કલેક્ટર પ્રવીણા ડી.કે. અને ડીડીઓ ભવ્ય વર્મા સહિતના અધિકારીઓ દ્વારા રસીકરણની કામગીરીની મુલાકાત લઈ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાથીઓને પણ પ્રોત્સાહિત કરાયા હતા.આજે પણ જિલ્લામાં રસીકરણ માટેની ખાસ ઝુંબેસ રાખવામાં આવી છે જેથી આજે પણ વાલીઓ તેમના લાભાર્થી બાળકોને વેકસીન અપાવવા માટે શાળાએ લઈ આવે તે માટેનો અનુરોધ ડીડીઓ ભવ્ય વર્મા દ્વારા કરવામાં આવ્યો છે.

જિલ્લા રસીકરણ અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે,જિલ્લામાં અબડાસા અને નખત્રાણામાં સૌથી વધુ 44 ટકા કામગીરી થઈ છે.ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રસી મૂકાવવા માટે સવારથી છાત્રો અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સૌના સહકાર થકી જ જિલ્લામાં સર્વાધિક રસીકરણ થયું છે આ સિદ્ધિ બદલ તમામ કર્મયોગીઓને અભિનંદન આપી આજની ઝુંબેશમાં પણ લોકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

સિદ્ધિનો યશ બુદ્ધિશાળી ભૂલકાઓને ફાળે : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
15 થી 18 ની વયજૂથના બાળકોના રસીકરણના પ્રથમ દિવસે જ કચ્છમાં અભૂતપૂર્વ 51 હજારથી વધુ વિદ્યાથીઓએ કોવેકસીન રસી મુકાવી છે.આ સિદ્ધિનો યશ બુદ્ધિશાળી ભૂલકાઓને ફાળે જાય છે તેવું જણાવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે જણાવ્યું કે,છેલ્લા 3 - 4 દિવસથી શિક્ષકો દ્વારા વાલીઓને સમજાવવાની કામગીરી કરવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓએ પણ રસી લેવા માટે વાલીઓને કન્વેન્સ કર્યા જેથી વાલીઓ,શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત થકી જિલ્લો રસીકરણની કામગીરીમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે.

જિલ્લામાં શાળાએ ન જતા હોય તેવા તરૂણો પણ આજે રસી લઈ શકશે
​​​​​​​શાળામાં ન જતા હોય તેવા 15 થી 18 ની વયજૂથના તરૂણો આજે કોઈપણ શાળાએ જઈને રસી મુકાવી શકે છે.તેમજ શાળામાં ભણતા જે વિદ્યાથીઓ સોમવારે ડોઝ લઈ શક્યા નથી તેઓ પણ આજે રસી લેવા માટે આવે તેવો અનુરોધ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

ઘણાએ તો દેખા દેખીમાં પણ રસી મુકાવી લીધી
ધો.9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાથીઓ પ્રથમ દિવસે જ રસી મુકાવવા પોતાની શાળાએ દોડી ગયા હતા.ઘણા છાત્રો એવા હતા જે રસીના ઇન્જેક્શનથી ગભરાતા હતા પણ મિત્રએ રસી મુકાવી હોય તો હું કેમ બાકી રહું તેવી દેખા દેખીમાં પણ ઘણા લોકોએ ડોઝ લઈ લીધો હતો.

શાળાઓમાં સેલ્ફી પોઇન્ટ મુકાયા
વિદ્યાથીઓને પ્રથમ દિવસે રસીકરણ માટે આવકારવા શાળાઓ દ્વારા અવનવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.જેમાં ‘હું કોરોના વોરિયર’ સહિતના સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા હતા.તો ઘણા સ્થળોએ માસ્ક વિતરણ સાથે નાસ્તાની વ્યવસ્થા રખાઈ હતી.ઘણી શાળાઓમાં પેન સહિતની ભેટ પણ અપાઈ હતી.

રસી મુકાવ્યા બાદ કોઈ આડઅસર થઈ નથી : છાત્રોનો પ્રતિભાવ
​​​​​​​રસી લીધા બાદ શહેરના લાભાર્થી છાત્રોએ જણાવ્યું કે,તેમને કોઈ જાતની આડ અસર થઈ નથી તેમજ જ્યારે હાલમાં કેસો વધી રહ્યા છે ત્યારે રસી મુકાવવી ઘણી ફાયદાકારક છે.ઘરના સભ્યોએ પણ વેકસીન લીધી હોવાથી તેઓ આગળ આવ્યા હોવાનું કહ્યું હતું.નોંધનીય છે કે, ઘણાને સામાન્ય તાવ આવ્યો હતો તો હાથમાં દુઃખતું હોવાની ફરિયાદને બાદ કરતા કોઈ ગંભીર અસરો થવા પામી નથી.

10 થી 12 વાગ્યા દરમ્યાન વધુ કામગીરી
સવારે 8 થી 10 કલાક દરમ્યાન 7135,10 થી 12 વાગ્યા દરમ્યાન 17,958 અને 12 થી 2 કલાક દરમ્યાન 14,889,બપોરે 2 થી 4 દરમ્યાન 7179 અને 4 થી 6 કલાક દરમ્યાન 4412 લોકોએ વેકસીનના ડોઝ મુકાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...