વર્ષ 2016થી અમલમાં આવેલી પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના અંગેના હિસાબો કે આંકડાઓ જાહેર ન કરીને સરકારે વીમા કંપની સાથે મીલી ભગત રચીને છેલ્લા ચાર વર્ષમાં 50થી 60 હજાર કરોડનું કૌભાંડ આચર્યું છે તેવા આક્ષેપ સાથે પ્રદેશ કિસાન કોંગ્રસે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતમાં તટસ્થ તપાસની માગ કરી છે.
યોજના અંતર્ગત ખેડૂતો બે કે પાંચ ટકા વીમા પ્રીમિયમ ભરે છે તેની સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે 50 ટકા પ્રીમિયમ ભરે છે. આટલું ઉંચું પ્રીમિયમ આપ્યા બાદ પણ જો ખેડૂતોને વીમાનું વળતર, આંકડા કે તેનો હિસાબ ન પણ ન મળે તે સ્પષ્ટ સાબિત કરે છે કે સરકારનું વીમા કંપની સાથે મળીને લોકોના નાણા લૂંટવાનું આ ષડયંત્ર છે. પાક વીમાના આંકડા આપવા માટે કોંગ્રસના ધારાસભ્યોએ વિધાનસભાના ફ્લોર પર અને બહારે અનેકવાર કહ્યું છે તેમ છતાં કોઇ કાર્યવાહી કરવાના બદલે સરકારે ત્રણ વર્ષ સુધી હિસાબો ન આપવાનો મનમાની ભરેલો પરિપત્ર જાહેર કર્યો છે જે કૌભાંડ પર ઢાંક પીછોડો કરવા સમાન છે તેવો કિસાન કોંગ્રેસના જોઇન્ટ કો-ઓર્ડિનેટર એચ. એસ. આહિરે આક્ષેપ કર્યો હતો.
આ યોજના અમલમા આવી ત્યારથી દર વર્ષે 15થી 20 હજાર કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો છે તેને જોતાં છેલ્લા ચાર વર્ષમા 50થી 60 હજાર કરોડ જેવી માતબર રકમ વીમા કંપની ચાઉં કરી ગઇ છે તેમા રાજ્ય સરકાર સરખી ભાગીદાર છે. જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો રાજ્ય સરકાર દરેક વર્ષના ક્રોપ કટિંગના પત્રકો અને આંકડાઓ જાહેર કરે તેમજ હાઇકોર્ટના સીટિંગ જજની સમિતિ બનાવીને તપાસ કરાવીને સરકાર પોતાની પારદર્શિતા સાબિત કરે તેવી માગ તેમણે મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યમંત્રી વાસણભાઇ આહિર સમક્ષ પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.