સૈદ્ધાંતિક મંજૂરી:નર્મદાના વધારાના એક MAF પાણી માટે 4369 કરોડ મંજૂર; પ્રથમ તબક્કામાં 6 તાલુકાના 96 ગામની 2.85 લાખ એકર જમીનને લાભ મળશે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કચ્છમાં કિસાન સંઘે છેડેલી લડત વિવિધ સમાજો-સંપ્રદાયોના ટેકા સાથે રંગ લાવી

નર્મદાના વધારાના નીર માટે માત્ર સૈધ્ધાંતિક મંજૂરીઓથી અકળાયેલા કચ્છના ધરતીપુત્રોએ તાજેતરમાં આક્રમક મિજાજ બતાવતાં રાજ્ય સરકારે મંગળવારે પ્રથમ તબક્કાના કામોને દોઢ દાયકા બાદ વહીવટી મંજૂરી આપી 4369 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. ભાજપ સહિતના અનેક આગેવાનો-સંસ્થાઓએ આ નિર્ણયને વધાવી લીધો છે. તો કિસાનો અને જાણકારોએ ખુશી દર્શાવાની સાથોસાથ સાવચેતી ભર્યો આવકાર આપ્યો છે. સરકારની આ જાહેરાત પછી 6 તાલુકાના 96 ગામોની 2.85 લાખ એકર જમીનને પીયત ખેતીનો લાભ થાય એવી કામગીરી આરંભાશે.

ચોમાસામાં સરદાર સરોવર ડેમનું પાણી ઓવરફ્લો થઇને દરિયામાં જતું રોકવા વર્ષ 2006માં નર્મદાના વધારાના પાણી માટે યોજના બનાવાઇ હતી જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગે આવેલા એક-એક મીલિયન એકર ફીટ પાણીની યોજના અમલી બની પણ કચ્છને પાણી ફાળવવાની માત્ર જાહેરાત થઇ હતી. ત્યાર બાદ સમયાંતરે વધારાના પાણી માટે કરોડો રૂપિયાની માત્ર સૈધ્ધાંતિક જાહેરાત થતી રહી. છેલ્લા 15 વર્ષથી તેના માટે વહીવટી મંજૂરી ન અપાતાં જનાક્રોશ વધવાની સાથે ખેડૂતો ઉગ્ર બનતાં ધરણા સહિતના વિરોધ પ્રદર્શન યોજાયા હતા.

બે તબક્કામાં કામો થશે જે સાત-આઠ વર્ષ ચાલશે, વિવિધ જળાશયો ભરાશે
કચ્છના નાના મોટા જળાશયો અને ડેમો ભરવા માટેની આ યોજના બે તબક્કામાં પરિપૂર્ણ થશે. ચોમાસામાં સરદાર સરોવર ડેમનું ઓવરફ્લો પાણી ટપ્પર ડેમમાં ઠલવાશે જ્યાંથી સાત લિંક કેનાલો મારફતે પૂર્વમાં રાપર તાલુકો અને પશ્ચિમે છેક નારાયણસરોવર સુધીના જળાશયો ભરાશે. પાઇપ લાઇનથી આકાર પામનારા પ્રકલ્પના પ્રથમ તબક્કા માટે 4369 કરોડ મંજૂર કરાયા છે તેના ટેન્ડરની પ્રક્રિયા આટોપાવાની સાથે ત્રણ માસમાં કામ શરૂ થશે. જેના થકી ભુજ, અંજાર, રાપર, માંડવી, મુન્દ્રા અને નખત્રાણા તાલુકાના 96 ગામોની 2.85 લાખ એકર જેટલી જમીનને સિંચાઇનો લાભ મળશે.

આ કામો ત્રણથી ચાર વર્ષ ચાલશે અને બીજા ચરણમાં બેથી ત્રણ વર્ષ કામ થશે જેમાં લખપત અને અબડાસા તાલુકાને પણ આવરી લેવાશે. આમ સમગ્ર યોજના આઠેક વર્ષમાં પરિપૂર્ણ થશે તેમ સિંચાઇ વિભાગના ખાસ સચિવ કમલેશ રાબડિયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, યોજના પૂર્ણરૂપે સંપન્ન થયેથી 10 લાખ એકર જેટલી જમીન પીયતથી લાભાન્વિત થશે.

અન્ય સમાચારો પણ છે...