વર્ષાંતે ધરા ધ્રુજી:ભયાવહ ભૂકંપની 20મી વરસીના 28 દિવસ પૂર્વે ખાવડા નજીક 4.3ની તીવ્રતાના આંચકાથી ઉચાટ

ભૂજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 9.46 વાગ્યની આસપાસ 4.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો
  • ઉગમણી બન્ની અને પચ્છમ વચ્ચેના સાધારા-દધ્ધર નજીક રણમાં કેન્દ્રબિંદુ
  • સવારે કાતિલ ઠાર વચ્ચે લોકોને ધ્રુજારી છૂટી ગઇ : ઘર બહાર દોડી આવ્યા

કચ્છમાં આવેલા ભયાવહ ભૂકંપની 20મી વરસીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બન્ની પચ્છમમાં સાધારા-દધ્ધર પાસે રણમાં આવેલા આંચકાથી ભૂકંપની યાદ તાજી થઇ છે. લોકો કાતિલ ઠંડી વચ્ચે પણ ઘરથી બહાર દોડી આવ્યા હતા. કચ્છમાં 26 જાન્યુઆરી 2001માં આવેલા વિનાશક ભૂકંપે જિલ્લા મથક ભુજ, અંજાર અને ભચાઉ શહેરમાં ભારે તારાજી વેરી હતી, જેને જાન્યુઆરી-2021માં 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તેવામાં તા.30-12, બુધવારના ખાવડાથી 26 કિ.મી.ના અંતરે પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં 4.3ની તીવ્રતા સાથે ધરા ધણધણી હતી. બુધવારેના સવારે 9.46 કલાકે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ બન્ની પચ્છમના પાસી વિસ્તારના સાધારા-દધ્ધર નજીક રણમાં નોંધાયું છે.

ભચાઉમાં પણ રાતે આંચકો અનુભવાયો હતો
ગઈ કાલે રાત્રે 2. વાગ્યે ભચાઉમાં પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું. નવેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કીમી દૂર નોંધાયું છે. બપોરે 3.40 કલાકે હળવો ભૂકંપ અનુભવાયો છે. સુરત અને ભરૂચની સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલોલમાં 3 સેકેન્ડ સુધી ધરાધ્રૂજી છે. તો પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વડોદરાના સાવલી તાલુકામાં 2થી 4 સેકન્ડ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.

વર્ષ દરમ્યાન 4થી વધુ તીવ્રતાના 8 આંચકા પૈકી 7 પૂર્વ કચ્છમાં

તારીખ તીવ્રતાકેન્દ્રબિંદુ
30-124.3ખાવડાથી 26 કિ.મી. દુર
01-114.1ભચાઉથી 12 કિ.મી. દુર
02-094.1દુધઇથી 7 કિ.મી. દુર
23-084.1રાપરથી 24 કિ.મી. દુર
05-074.2ભચાઉથી 14 કિ.મી. દુર
15-064.1ભચાઉથી 6 કિ.મી. દુર
15-064.6ભચાઉથી 15 કિ.મી. દુર
14-065.3ભચાઉથી 10 કિ.મી. દુર

​​​​​​બે ફોલ્ટ ગોરા ડુંગર-લંબગત ભેગા થતાં કચ્છ પર ખતરો
કચ્છ યુનિવર્સિટીના અર્થ અને સાયન્સ વિભાગના હેડ અને ભુસ્તરશાસ્ત્રી ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, પચ્છમ-ખડીર વચ્ચેથી ફોલ્ટલાઇન પસાર થાય છે, જેને ટ્રાન્ઝવર્સ ફોલ્ટ અથવા લંબગત ફોલ્ટ કહેવાય છે. કાઢવાંઢથી ખાવડા સુધીની લાઇન ગોરા ડુંગર ફોલ્ટ કહેવાય છે. ગોરા ડુંગર અને લંબગત ફોલ્ટ બંને આ સ્થળે ભેગા થાય છે. લાંબા સમય બાદ આ ફોલ્ટલાઇન સક્રીય થઇ છે. બે ફોલ્ટ અહીં ભેગા થતાં દબાણની તીવ્રતા વધી જાય છે, જે કચ્છ માટે ખતરાની ઘંટી સમાન છે.

મોટા રણની આ ફોલ્ટલાઇન બે વર્ષ બાદ ફરી થઇ સક્રીય
કચ્છ પર ફરી મોટા ભૂકંપનો ખતરો મંડરાઇ રહ્યો હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે ત્યારે ખાવડા પંથકની ફોલ્ટલાઇન ફરી સક્રીય થઇ છે. બે વર્ષ અગાઉ એટલે કે, તા.16-1-18ના ખાવડાથી 26 કિ.મી. દુર પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં 4.1ની તીવ્રતા સાથે આંચકો અનુભવાયો હતો. બે વર્ષ બાદ ફરી આ જ વિસ્તારમાં 4.3ની તીવ્રતા સાથે ધરા ધ્રુજતા લોકોની ચિંતા વધી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...