માર્ગો બન્યા રક્તરંજીત:કચ્છમાં 7 માર્ગ અકસ્માતમાં 4 જીવ ગયા, 4 ઘાયલ, ગાગોદરમાં હોટેલ પાસે સુતેલા યુવાન પર ટ્રેઇલરના પૈડા ફરી વળતા ચીર નિંદ્રામાં પોઢી ગયો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાગોદરનો મૃતક - Divya Bhaskar
ગાગોદરનો મૃતક
  • ગાંધીધામમાં ટ્રેઇલર અથડાતા ચાલકના પ્રાણ ગયા
  • સુમરાસર-કુનરિયા ગામે અકસ્માતમાં ઘવાયેલા ભુજના યુવાને સારવારમાં દમ તોડ્યો

રાપરના ગાગોદર નજીક હોટલ પાસે સૂતેલા 20 વર્ષીય યુવાન ઉપરથી ટ્રેઇલરના પૈડા ફરી વળતાં ચીર નિદ્રામાં પોઢી ગયો હોવાની, તો ભુજ તાલુકાના સુમરાસર કુનરીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા ભુજના યુવાને દમ તોડ્યો હતો.

ગાગોદર નજીક ધસી પડેલી હોટેલ અને અકસ્માતગ્રસ્ત ટ્રેઇલર.
ગાગોદર નજીક ધસી પડેલી હોટેલ અને અકસ્માતગ્રસ્ત ટ્રેઇલર.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, ગાગોદરમાં રહેતો અને નજીક આવેલી ચા ની હોટલમાં નોકરી કરતો 20 વર્ષીય મહેશ દયાલ કોલી ગત મોડી રાત સુધી કામ પતાવી હોટલ પાસે જ સૂઇ ગયો હતો. તે ભર નિદ્રામાં હતો તે દરમિયાન પરોઢે 5 વાગ્યાના અરસામાં રાધનપુર તરફથી પૂરપાટ આવી રહેલા ટ્રેઇલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોંગ સાઇડનો હાઇવે ટપી સાર્વજનિક પ્લોટમાં ઘૂસી હતી જ્યાં ભર નિદ્રામાં પોઢી રહેલા 20 વર્ષીય મહેશ ઉપરથી ટ્રેઇલર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ચાલક ભાગી ગયો હતો. જોકે આ અકસ્માત બાબતે મોડે સુધી પોલીસ ચોપડે કોઇ નોંધ થઇ ન હતી.

હજી ગઇકાલે જ પોતાની કાકાઇ બહેનને વિદાય કરીને નોકરીએ ગયા બાદ આ કરૂણ ઘટના બનતાં પરિવારમાં માતમ છવાયો હતો. ગાગોદર પાસેના ચાર રસ્તા પાસે મોટા પ્રમાણમાં અવરજવર રહે છે જેના કારણે અવાર નવાર અકસ્માતો થાય છે અને અનેક લોકો જીંદગી ગુમાવે છે ત્યારે આ ચોકડી ઉપર ઓવરબ્રીજ બને તો આ પ્રકારના અકસ્માતોના બનાવો ઘટે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા.

તો મુળ સુમરાસર શેખના અને હાલે ભીડનાકા બહાર દાદુપીર રોડ પર રહેતા રમજાન લધાભાઈ સમેજાએ જણાવ્યું કે,ગત 25 એપ્રિલના રાત્રે 12 : 30 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો.તેમના ભાઈ સલીમ લધા સમેજા અને આરોપી જ્યંતી બાબુ પટ્ટણી (રહે.રામનગરી,ભુજ) વાળા બંને બાઇક નંબર જીજે 12 ઈકે 8352 માં સુમરાસરથી કુનરીયા આવતા હતા ત્યારે બાઇક સ્લીપ થઈ જતા પાછળ બેઠેલા સલીમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જી.કે.માં 9 દિવસની સારવાર દરમ્યાન મોત થયું હતું.

મંજલ પાસે મીઠા ભરેલી ટ્રક આગળ જતી ટ્રકમાં ઘુસી જતા ધોરીમાર્ગ પર ટ્રાફીકજામ
નખત્રાણા તાલુકાના મંજલ ગામ નજીક બુધવારે સવારે અકસ્માત અને તેના કારણે ટ્રાફિકજામની ઘટના બનવા પામી હતી.પરોઢિયે નમકનું પરિવહન કરતું ટ્રેઇલર આગળ જતાં ટ્રેઇલરમાં ઘુસી જતા આ ઘટના બની હતી. જેમાં કોઈને ઇજાઓ થવા પામી નથી પણ અકસ્માતમાં ટ્રેઇલરને નુકસાન પહોંચ્યું હતું.

નાના આસંબિયા પાસે ટેમ્પો અને બાઇક ભટકાતા ચાલકને ઓછીવતી ઇજા
માંડવી તાલુકાના નાના આસંબિયા ગામ નજીક બુધવારે સાંજે અક્સ્માતની ઘટના બની હતી જેમાં માલવાહક ટેમ્પો અને બાઇક સામસામે ભટકાતા બંને વાહનોમાં નુકસાન થયું હતું.આ બનાવમાં બાઇક સવારોને ઓછીવતી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.અકસ્માતમાં ટેમ્પોમાં કાચ તૂટી જવા સાથે બાઇક માં પણ મોટાપાયે નુકશાન થયું હતું. બનાવ સ્થળે લોકો પણ એકત્ર થઈ ગયા હતા.

છાડવારા પાસે વાહને ઊંટનો પગ કચડ્યો
ભચાઉ તાલુકાના છાડવારા પાસે ગત રાત્રે પૂરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે ઊંટને અડફેટે લેતાં ઊંટનો પગ કપાઇ ગયો હતો. આ વાતની જાણ ટોલ નાકાની પેટ્રોલિંગ ટીમને થતાં ક્રેનની મદદથી ઊંટને વાહનમાં બેસાડી ભચાઉ સારવાર અર્થે ખસેડાયો હતો.

માંડવી અને ભુજમાં સર્જાયેલા અકસ્માતમાં બે જણા જખ્મી
માંડવીના વિજયવિલાસ પેલેસથી શહેર તરફથી આવતા રોડ પર બે બાઇક સામ-સામે ભટકાતા બીદડાના 22 વર્ષીય અશરફ લતીફ લોઢિયાને ઇજાઓ થઈ હતી જ્યારે ભુજમાં આત્મારામ સર્કલથી નળ સર્કલ જતા રોડ પર બાઇક લઈને માધાપર ઘરે જતા કિરણભાઈ કરસનદાસ રાજગોરને કોઈ અજાણી કારે ટક્કર મારતા ઇજાઓ પહોંચી હતી.

ગાંધીધામમાં ટ્રેઇલર ડિવાઇડરમાં અથડાતાં ચાલકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું
મુળ બિહારના હાલે ગાંધીધામ કાર્ગો વિસ્તારમાં રહેતા 55 વર્ષિય ટ્રેઇલર ચાલક બાલગોવિંદ સુત્તર યાદવ ગત સાંજે કંડલાથી લાકડા લોડ કરી ગાંધીધામના બેનસોમાં ખાલી કરવા જઇ રહ્યા હતા. ઝોન ગોલાઇ પાસે તેમણે કાબુ ગુમાવતા ટ્રેઇલર ડિવાઇડરમાં અથડાયું હતું જેમાં તેમને માથામાં ગંભીર ઇજા થવાને કારણે મોત નીપજ્યું હતું. નીલકંઠ સોલ્ટના મેજેનર દેવજીભાઇ જેસંગભાઇ આગરીયાએ ફરિયાદ નોંધાવી હતી.

મંજલ નજીક દાદા દાદી પાર્કની સામે ટેમ્પો અડફેટે વિગોડીના યુવાનનું મોત
નખત્રાણા તાલુકાના મંજલથી દેશલપરને જોડતા માર્ગ પર આવતા માજીરાઇ પાસે બુધવારે સાંજે 8 વાગ્યાના અરસામાં અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં ટેમ્પો અડફેટે બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. નખત્રાણા પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે ટેમ્પોએ બાઇક ચાલકને ટક્કર મારતા આ બનાવ બન્યો હતો. જેમાં વિગોડી ગામે રહેતા 25 વર્ષિય દિપકભાઇ રામજીભાઇ યાદવનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજવા પામ્યું હતું બનાવના પગલે અરેરાટી છવાઇ ગઇ હતી.

ખાવડામાં ભેંસોના ધણને ટ્રકે ટક્કર મારી,3 ભેંસના મોત,એક ઘાયલ
તાલુકાના ખાવડા વિસ્તારમાં ભેંસોના ધણને અકસ્માત નડ્યો હોવાની વધુ એક ઘટના સામે આવી છે,જેમાં મોટા સરગુ નજીક આવેલી હાજીમામદવાંઢ પારેટીવાંઢ નજીક ભેંસોનું ધણ પસાર થતું હતું ત્યારે ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓના કારણે 3 ભેંસોના મોત નિપજ્યા હતા જ્યારે એક ભેંસને ઇજાઓ થઈ હોવાનું સામે આવવા પામ્યું છે.બનાવ સંદર્ભે આ વિસ્તારમાં મોટા સરગુ ગામે જ રહેતા માલધારી જાફર ઇધા સુમરાએ આરોપી ટ્રક નંબર આર.જે.19 જીસી 0681 ના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...