લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે:GST વગર સસ્તું સોનુ મળતું હોવાની લાલચે રાજસ્થાનના 4 મિત્રો ભુજ આવતાં લૂંટનો ભોગ બન્યા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં સસ્તા સોનાના નામે રાજસ્થાનના યુવક પાસેથી રૂા. 20 લાખની લૂંટ
  • છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂા. 20 લાખ પડાવ્યા
  • ગંગાપુરના આ મિત્રો રૂા. 5-5 લાખ ભેગા કરી અડધો કિલો સોનું ખરીદવા ભુજ આવ્યા હતા

ભુજમાં અને સમગ્ર જિલ્લામાં સસ્તા સોનાના નામે અનેક બનાવોમાં લોકોએ છેતરાઈને પોતાના નાણાં ગુમાવ્યા હોવાના કિસ્સાઓ બની ચુક્યા છે. તેમાં ઉમેરો કરતી વધુ એક ઘટના ભુજ બી ડિવિઝન મથકે નોંધાઇ છે. જેમાં ગત 9 ઓગસ્ટના રોજ રાજસ્થાનના ગંગાપુરના યુવકે પોતાના અને ત્રણ મિત્રો સહિતના મળીને કુલ રૂા. 20 લાખ ગુમાવ્યા છે.

બનાવની માહિતી અનુસાર ગત 9 ઓગસ્ટના રોજ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના સહાડા તાલુકાના ગંગાપુરમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા દિલીપ આચાર્યને તેના પરિચિત ફિરોજખાને ભુજમાં GST વગર સોનુ મળતું હોવાની વાત કરી હતી, તેણે પણ ભુજથી લાવેલું સસ્તું સોનુ ગંગાપુરમાં વહેંચીને કમાણી કરી હોવાની વાત કરી હતી. જેથી ફિરોજખાનની વાતમાં આવી દિલીપે તેના અન્ય ત્રણ મિત્ર શશીકાંત મરાઠા, ઉસ્માન શેખ અને ઘનશ્યામસિંહ રાઠોડને પણ આ વિશે કહેતાં તેમણે પણ સહમતી દર્શાવતાં ફિરોજખાને ભુજના આદિલ નામના યુવક સાથે મોબાઈલ ફોન પર વાત કરાવી હતી. તેમાં તેણે કહેલું કે 1 કિલો સોનુ રૂા. 40 લાખમાં પડશે જેની પાછળ રૂા. 8 લાખ GSTના બચશે. આ વાતને અનુસરીને ચારેય મિત્રો રૂા. 5-5 લાખ ભેગા કરી અડધો કિલો સોનું ખરીદવાનું નક્કી કરી ભુજ આવ્યા હતા.

રાજસ્થાનથી કાર મારફતે ભુજ આવી ફરિયાદી દિલીપ આચાર્ય અને તેના ત્રણ મિત્રો સેવનસ્કાય હોટેલમાં રોકાયા હતા. જ્યાં 9 ઓગસ્ટના રોજ બપોરના સમયે તેઓ 36 ક્વાર્ટર નજીકના એક ખુલ્લા વાડામાં કાર લઈને પહોંચ્યા હતા. જ્યાં દિલીપ આરોપી આદિલ અને તેની સાથેના હાજી અનિસ અને સુલતાન મિર્જાને તેમની નંબર વગરની ક્રેટા કારમાં મળ્યો હતો. આદિલે ફરિયાદીના મિત્રોને કાર પાછળ લેવા જણાવી દિલીપને સાથે લઈ પોતાની કાર ત્યાંથી ચલાવી હતી. રસ્તામાં અનિસે પૈસાની માંગણી કરતા દિલીપે પહેલાં સોનુ બતાવવાનું કહ્યું હતું. તે દરમિયાન અનિસે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂા. 20 લાખ પડાવી દિલીપને ભચાઉ પાસે રસ્તા વચ્ચે ઉતારી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ દિલીપ અને તેના મિત્રોએ રાજસ્થાન તેમના પરિચિત ફિરોજખાન સાથે વાત કરતાં તેણે આ લોકો માથાભારે હોવાનું કહી રાજસ્થાન આવી જવાનું કહ્યું હતું. જ્યાં પહોંચ્યા બાદ આદિલને પૈસા પરત આપવાનું કહ્યું હતું, પરંતુ પૈસા પરત મળ્યા નહોતા. આ લોકોએ ગભરાઈ જવાના કારણે ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...