ભૂકંપ:ભચાઉ નજીક રાત્રે 3.8ની તીવ્રતાનો આંચકો ,નર્મદા કેનાલ પર કેન્દ્રબિંદુ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામખિયાળી, જંગી પંથક સુધીની ભૂમિમાં સળવળાટ
  • પૂર્વ કચ્છની ધરા સતત બીજા દિવસે ભૂકંપના કંપનથી ધ્રૂજી

પૂર્વ કચ્છમાં સતત બીજા દિવસે આંચકાથી ધરા ધ્રુજી હતી અને શુક્રવારે ભચાઉ નજીક 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ નર્મદા કેનાલ પર નોંધાયું હતું. તા.17-9, શુક્રવારના રાત્રે 10.25 કલાકે ભચાઉથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ 23.359 અક્ષાંશ, 70.368 રેખાંશ સાથે 31.5 કિ.મી.ની ઉંડાઇએ તાલુકાના કરમરિયામાંથી પસાર થતી નર્મદાની કેનાલ પાસે નોંધાયું હતું. રાત્રે આવેલા આંચકાના પગલે ભચાઉ, સામખિયાળી, જંગી, કરમરિયા સહિતના ગામોના લોકોની ધ્રજારી છૂટી ગઇ હતી.

આ ઉપરાંત તા.16-9ના બપોરે 12.15 કલાકે રાપરથી 11 કિ.મી.ના અંતરે 2.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જેનું કે‌ન્દ્રબિંદુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં 23.634 અક્ષાંશ, 70.556 રેખાંશ સાથે 3.6 કિ.મી.ની ઉંડાઇએ નોંધાયું હતું. અત્રે નોંધનીય છે કે, તા.21-8ના ધોળાવીરાથી 23 કિ.મી. દુર 4.1ની તીવ્રતાના ભૂકંપના આચકા બાદ પૂર્વ કચ્છની ધરામાં 1થી લઇને 3નીચેની તીવ્રતાના કંપનો જારી રહ્યા હતા તેવામાં શુક્રવારે ફરી 3.8ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી હતી.

અન્ય સમાચારો પણ છે...