ઓપરેશન ગંગા:યુક્રેનમાં કચ્છના 29 છાત્રો, 7 વતન પહોંચ્યા, 22 સુરક્ષિત

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલેન્ડ, રોમાનિયા, હંગેરીમાં ભારત તરફથી ફ્લાઇટના આગમનની રાહ જોતા કચ્છના મેડિકલ સ્ટુડન્ટ
  • મિસાઇલ, બોમ્બના મારા વચ્ચે છાત્રો બચી જતાં વાલીઓની ચિંતા હળવી
  • સૌથી વધુ ભુજ તાલુકાના 9 અને ગાંધીધામના 8 વિદ્યાર્થીઓ

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ દરમિયાન ફસાયેલા કચ્છના 29 વિદ્યાર્થીઓ પૈકી 7 વિદ્યાર્થીઅો કચ્છ સહી સલામત પહોંચી આવ્યા છે અને બાકીના 22 છાત્રો પણ રોમાનિયા, પોલેન્ડ અને હંગેરીમાં સુરક્ષિત હોવાના હેવાલ મળી રહ્યા છે.

​​​​​​​કચ્છના 29 છાત્રો યુક્રેનના કીવ, ખાર્કિવ, ટર્નોપીલ, લીવ, સહિતના વિવિધ શહેરોમાં મેડિકલના અભ્યાસ માટે ગયા હતા. હાલે યુક્રેન અને રશિયા વચ્ચેના સંબંધો વણસતાં યુધ્ધ શરૂ થઇ ગયો છે અને કચ્છ, ગુજરાત સહિત દેશના જુદા-જુદા રાજ્યોના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઅો ફસાઇ ગયા છે. મિસાઇલ અને બોમ્બના મારા વચ્ચે અનેક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ખુબ જ મુશ્કેલી વેઠી હતી. અત્યાર સુધી ભારતના 2 છાત્રોના મોત નિપજ્યા છે ત્યારે મોડે મોડેથી જાગેલી સરકારે પણ ઓપરેશન ગંગા હેઠળ છાત્રો પરત લાવવા માટેના પ્રયાસો આદર્યા છે.

કચ્છમાંથી પણ 29 વિદ્યાર્થી ભાઇ-બહેનો અભ્યાસ માટે ગયા હતા, જે પૈકી 7 વિદ્યાર્થીઓ કચ્છ પરત આવી ગયા હોવાના બિન સત્તાવાર હેવાલ મળી રહ્યા છે. બાકીના 22 વિદ્યાર્થીઓ યુક્રેન છોડીને અેટલે કે, યુક્રેન દેશની સરહદ ઓળંગીને આસપાસના દેશો જેવા કે, પોલેન્ડ, રોમાનિયા, હંગેરી સહિતના દેશોમાં સુરક્ષિત હોવાનું કહેવાય છે. જો કે, બાકીના 22 વિદ્યાર્થીઓ હજુ ફ્લાઇટની રાહમાં છે કેમ કે, ભારત દેશના જ હજારોની સંખ્યામાં છાત્રો છે. જેથી આવા છાત્રોઅે પોતાના ઘરે એટલે કે માદરે વતન પહોંચતા હજુ બે દિવસ લાગે તેમ છે. જો કે, વિદ્યાર્થીઓ યુક્રેન છોડીને સુરક્ષિત સ્થળે પહોંચી જતાં વાલીઓની ચિંતા હળવી થઇ છે. પરત આવી ગયેલા છાત્રો પૈકી અમુક છાત્રોના જણાવ્યા મુજબ હજુ દેશના ઘણા છાત્રો યુક્રેનમાં ફસાયેલા છે.

આ અંગે ડિઝાસ્ટર મામલતદાર એસ.કે. વાલ્વીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, છાત્રોની વિગત અપડેટ કરવામાં આવી રહી છે અને કેટલા વિદ્યાર્થીઓ પરત કચ્છ પહોંચી આવ્યા છે તેની વિગત તા.3-3ના જાહેર કરાશે.

કચ્છના તાલુકાવાર છાત્રો

તાલુકો

સંખ્યા
અબડાસા2
ભુજ9
માંડવી4
ગાંધીધામ8
નખત્રાણા5
મુન્દ્રા1

અત્યાર સુધી કન્ટ્રોલ રૂમમાં આવ્યા 20 કોલ
ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઅોને પરત લાવવા માટે કચ્છ સહિત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે અને જિલ્લાના વહીવટી તંત્રે પણ સંબંધિત છાત્રોના વાલીઓની સ્થાનિકે મુલાકાત લઇ, વીડિયો કોલ કરાવી છાત્રોથી વાત કરાવી હતી ત્યારે કચ્છ કલેક્ટર દ્વારા શરૂ કરાયેલા કન્ટ્રોલ રૂમમાં છાત્રોના ખબર-અંતર પૂછવા, ફ્લાઇટની વ્યવસ્થા વગેરે માટે અત્યાર સુધી 20 જેટલા વાલીઅોના કોલ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સરકાર વહેલી જાગી હોત તો છાત્રોએ યાતના ન ભોગવી હોત
છાત્રોએ 3-4 દિવસ યુક્રેનની સરહદે ભૂખ્યા રહી જે યાતના ભોગવી છે તે અંગે સરકાર પ્રત્યે અમુક વાલીઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જો સરકાર વહેલી જાગી હોત વિદ્યાર્થીઅોને મુશ્કેલી ન પડી હોત અને સમયસર ઘરે આવી ગયા હોત.

અન્ય સમાચારો પણ છે...