બાળકોને સહાય:માતા-પિતા ગુમાવનારા કચ્છના 26 બાળકોને મળશે મહિને ચાર હજાર

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને સહાય
  • 10 વર્ષથી વધુ વયના બાળકના ખાતામાં જ જમા થશે રકમ

કાતિલ કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા કચ્છના 26 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે અાવક મર્યાદાના બાધ વિના દર મહિને 4 હજારની સહાય અપાશે.સરકારે તા.11-6ના પરિપત્ર બહાર પાડી સહાય યોજના અમલમાં મુકી છે. જે અન્વયે કચ્છમાં વહીવટી તંત્રઅે કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા 26 બાળકોને શોધી કાઢ્યા છે અને અા માટેની કામગીરી ચાલી રહી છે. અાવા 0થી 18 વર્ષના બાળકોને દર મહિને 4 હજારની સહાય મળશે.

10 વર્ષથી વધુ વયના બાળકોના બેંક ખાતા ખોલાવી તેમાં જ સહાયની રકમ જમા થશે જયારે 10 વર્ષ કે તેનાથી નાની વયના બાળકોના કિસ્સામાં અાવા બાળકોના ઉછેરની જવાબદારી જે વ્યક્તિઅે લીધી હોય તેવી વ્યક્તિનું ખાતું ખોલાવી તેમાં જમા થશે.ભુજના મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીઅે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિઅે કચ્છમાં માતા-પિતા ગુમાવનારા 26 બાળકો છે અને હજુ અાવા બાળકોને શોધી કાઢવા માટે તાલુકા વિકાસ અધિકારી, ચીફ અોફિસર, મામલતદાર, અાઇ.સી.ડી.અેસ. વગેરેને સુચના અપાઇ છે. વધુમાં અા યોજના માટે જિલ્લા બાળ સુરક્ષા અેકમ-402, બહુમાળી ભવન, ત્રીજો માળ, ભુજ અથવા 02832-252613 અથવા 8200545183 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અા યોજના અન્વયે 21 વર્ષની વય સુધી શિક્ષણ, રોજગાર, અારોગ્ય, તાલીમ, લોન વગેરેની સહાય અાવક મર્યાદાના બાધ વિના અપાશે. કોરોના નાબૂદ નહીં થાય ત્યાં સુધી અા યોજના ચાલુ રહેશે અેમ પરિપત્રમાં જણાવાયું છે.

અાવા અપવાદરૂપ કિસ્સામાં પણ મળશે સહાય
જે બાળકોના માતા-પિતા કોરોના અગાઉ અવસાન પામ્યા હોય અને ત્યારબાદ તેના પાલક માતા-પિતા પણ અવસાન પામ્યા હોય અથવા તો માતા-પિતામાંથી કોઇ અેક વ્યક્તિનું કોરોના અગાઉ મોત થયું હોય અને બીજી વ્યક્તિનું કોરોનામાં મોત થયું હોય તો તેવા કિસ્સામાં પણ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને લાભ મળશે.

કાતિલ કોરોનાઅે અનેક પરિવારોના માળા વીંખી નાખ્યા
કાતિલ કોરોનાઅે અનેક પરિવારોના માળા વીંખી નાખ્યા છે ત્યારે અબડાસાનો અેક કિસ્સો અેવો પણ બહાર અાવ્યો છે કે, કોરનાથી પ્રથમ માતા અને ત્યારબાદ પિતા પણ અવસાન પામતા બાળકોઅે છત્રછાયા ગુમાવી દીધી હોવાનું ભુજના મદદનીશ કલેક્ટર ગુરવાનીઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...