તપાસ:રાવલવાડી પોસ્ટ કૌભાંડ મામલે 25 નિવૃત્તોને બોલાવાતા ફફડાટ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટપાલ વિભાગના નિવૃત્તો આજે મળનારી મિટીંગમાં કરશે મનોમંથન
  • બહુચર્ચિત નાણાકીય ગફલામાં ચાલીસેક કર્મચારીઓના તપેલા ચડે તેવી વકી

ભુજના રાવલવાડી પોસ્ટ ઓફિસના કૌભાંડમાં પૂછપરછ માટે શહેરની હેડ અોફિસના 25 નિવૃત્ત કર્મચારીઓને બોલાવાતાં ફફડાટ ફેલાયો છે અને તા.13-1, ગુરૂવારના નિવૃત્ત કર્મચારીઓ આ મામલે મિટીગ યોજી મનોમંથન કરશે.

રાવલવાડી ટપાલ કચેરીમાં થયેલા નાણાકીય ગફલા મામલે સીબીઆઇ તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં આ પ્રકરણમાં વધુ ધડાકા થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ખુદ ટપાલ વિભાગે નાણાકીય ગોબાચારીનો આંક તપાસમાં 10 કરોડથી વધી જશે તેવું જાહેર કર્યું છે ત્યારે તાજેતરમાં અા મામલે અલગથી ફરિયાદ નોંધીને સીબીઆઇની ટીમો ત્રાટકી હતી. જો કે, શહેરની હેડ પોસ્ટ અોફિસમાં અગાઉ ફરજ બજાવી ગયેલા 25 નિવૃત્ત કર્મચારીઓને પણ પોસ્ટ કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવાતા ટપાલ વિભાગના કર્મચારી આલમમાં ફફળાટ ફેલાયો છે.

ટપાલ કચેરીના નિવૃત્ત થયેલા કર્મચારીઅો પૈકીના સૂત્રોના જણાવ્યા મુજબ નિયમોનુસાર નિવૃત્ત કર્મચારીઅોને અા રીતે પૂર્વ પરવાનગી વિના બોલાવી ન શકાય, જેથી તા.13-1, ગુરુવારના ટપાલ કચેરીના નિવૃત્ત કર્મચારીઅોના અેસોસિયેશનની મળનારી બેઠકમાં મનોમંથન કરાશે. સૂત્રોનું માનીએ તો આ કૌભાંડનો આંક 20 કરોડની નજીક પહોંચી જાય તેમ છે અને અંદાજિત 40 જેટલા પોસ્ટ કર્મચારીઅોના તપેલા ચડી જાય તેમ છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ ગાજેલા અા પ્રકરણમાં વધુ ધડાકા થાય તો નવાઇ નહીં. ભેજાબાજ સચિન ઠક્કરે જેના આધારે ડેટા અેન્ટ્રીઅો કરી તેના પાસવર્ડ કોની પાસે હોય છે તે મામલો હજુપણ ગુંચવાયેલો છે. સૂત્રોનું માનીઅે તો તેના પાસવર્ડ ડિવિઝન કચેરીમાં હોય છે ત્યારે હવે સીબીઆઇ તપાસમાં શું નીકળે છે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...