જિલ્લા પંચાયતે મોડેલ આંગણવાડીના કામોમાં સ્ટેમ્પ ડ્યૂટીમાંથી 57 લાખ 46 હજાર 130 રૂપિયા અને સ્વભંડોળમાંથી 10 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીએ ઓડિટ દરમિયાન ટેન્ડરના ભાવો કરતા 24.65 લાખ વધારે ચૂકવ્યાનું નોંધ્યું છે અને કુલ 67 લાખ 46 હજાર 130 રૂપિયા અમાન્ય ખર્ચ તરીકે બતાવી નોંધ મૂકી હતી. કેમ કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મોડેલ આંગણવાડી બનાવવાની સૂચના નથી આપી. વળી તાંત્રિક મંજુરી મેળવાઈ નથી અને સરકારની પણ પૂર્વ મંજુરી લેવાઈ ન હતી. જે પ્રાથમિક વાંધાના જવાબો રજુ થયા હતા. પરંતુ, વાંધાને અનુરૂપ ન હોઈ ગ્રાહ્ય પણ રાખ્યા નથી.
જિલ્લા પંચાયતે 2017/18ના હિસાબી વર્ષ દરમિયાન 50 આંગણવાડી માટે સ્ટેમ્પ ડ્યૂટીમાંથી 30 લાખ અને સ્વભંડોળમાંથી 5 લાખ મળીને કુલ 35 લાખ રૂપિયાની જોગવાઈ કરી હતી. બજેટની જોગવાઈ લેપ્સ ન જાય તે માટે તાત્કાલિક ટેન્કર પ્રક્રિયા કરી હતી. જોકે, સક્ષમ સમિતિએ 30 લાખ રૂપિયાના ટેન્ડર રદ કર્યા હતા. ત્યારબાદ ફરી ટેન્ડર બહાર પડ્યા, જેમાં સક્ષમ સમિતિએ ત્રણમાંથી સૌથી ઓછા ભાવ ભરનારનારી ભાવનગરની એજન્સીને 40 લાખ રૂપિયાની જોગવાઈને ધ્યાને રાખીને 10 આંગણવાડીને મોડેલ આંગણવાડી બનાવવા વર્ક ઓર્ડર આપ્યા હતા.
સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યૂટીમાંથી 30 લાખ અને સ્વભંડોળમાંથી 10 લાખ રૂપિયાની જોગવાઈ હતી. તેમાં 30 લાખ રૂપિયાની વધારાની જોગવાઈ કરવામાં આવી હતી. આમ, 60 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મોડેલ આંગણવાડી પાછળ ખર્ચાવા નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અગાઉની 9 આંગણવાડી 40 લાખના ખર્ચે અને વધુ 6 આંગણવાડીને 30 લાખના ખર્ચે મોડેલ આંગણવાડી બનાવવા નક્કી કરાયું હતું. ભાવનગરની એજન્સીએ 2019ની 19મી માર્ચે 10 મોડેલ આંગણવાડીના બિલ આપ્યા હતા. વધારાના ખર્ચની રકમમાં કાપકૂપ સાથે 30 લાખ 5 હજાર 204 રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટીમાંથી અને 10 લાખ સ્વભંડોળમાંથી ચૂકવવામાં આવ્યા હતા.
બીજા બિલમાંથી પણ કાપકૂપ સાથે 25 લાખ ચૂકવાયા હતા. પરંતુ, કાપકૂપકરેલી 2 લાખ 40 હજાર 926 રૂપિયાની રકમમાંથી ફરી 1 લાખ 82 હાર 209 રૂપિયા ચૂકવાયા હતા. આમ, 15 મોડેલ આંગણવાડી પેટે કુલ 67 લાખ 46 હજાર 130 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
વિસંગતતા નજરે પડી : સરવે કરાવ્યા વિના કામો સોંપાયાનું તારણ
પ્રાથમિક વાંધામાં કહેવાયું છે કે, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જે મોડી આંગણવાડી જી.એમ.ડી.સી. કંપની માટે બનાવી તેના પ્રતિ આંગણવાડી ખર્ચ 7 લાખ રૂપિયા થયું હોવાનું રેકર્ડ ઉપર છે. જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તેમાં 2 લાખ 85 હજારના લઘુત્તમ ભાવો આવ્યા હતા, જેથી સર્વે કરાવ્યા વિના કામો આપવાની કાર્યવાહી કર્યાની પૂર્તતા પણ કરાઈ નથી.
નંદઘર અને મનરેગા યોજનાનો ખર્ચ વ્યર્થ ગયો
જે આંગણવાડીઓને મોડેલ આંગણવાડી બનાવવાનું નક્કી થયું હતું. તે આંગણવાડીઓ નંદઘર યોજના, મનરેગા યોજના અંતર્ગત બનાવાઈ હતી, જેથી ફરી તેમાં ફેરફાર કરીને નવા રૂપ રંગ આપવાના થયેલા કિસ્સામાં નંદઘર યોજના અને મનરેગા યોજના હેઠળ કરેલું ખર્ચ વ્યર્થ ગયાનું પણ નોંધવામાં આવ્યું છે.
આંગણવાડીની સંખ્યા અને યાદી બદલાઈ ગઈ
જિલ્લામાં કઈ કઈ આંગણવાડીને મોડેલ આંગણવાડી બનાવવી તેની યાદી સંસ્થા દ્વારા અગાઉથી તૈયાર કરવામાં આવી હતી. જ્યારે પ્રથમ વખત ટેન્ડર બહાર પડ્યું ત્યારે માત્ર 5 આંગણવાડીનું લિસ્ટ હતું. જે બીજા વખતના ઈ-ટેન્ડર વખતે જે કામો આપવામાં આવ્યા તે આંગણવાડીની યાદી જ બદલાવી નાખવામાં આવી હતી. આમ, અગાઉથી યાદી તૈયાર કર્યા વિના જાહેર નિવિદા આપીને ટેન્ડરિંગ પ્રક્રિયા કરાઈ હતી. જેની પૂર્તતા પણ કરાઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.