કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સતામાં આવ્યા બાદ ખેડૂતો અંગે અવારનવાર યોજનાઓ બહાર પાડી દેશના કિસાનને લાઇનમાં ઉભવાની જરૂર નહીં પડે તેવા વચનો આપવામાં આવ્યા છે પણ વડાપ્રધાનના માનીતા જિલ્લા કચ્છમાં જ ખુદ સરકારની સૂફીયાણી વાતોનો છેદ ઉડી રહ્યો હોય તેમ છેલ્લા દોઢ - બે મહિનાથી જિલ્લાના કિસાનો યુરિયા ખાતરની ગુણી મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે ત્યારે માંડ ખાતર મળે છે. કચ્છમાં 60 હજાર મેટ્રિક ટન ખાતરની જરૂરીયાત સામે અત્યારસુધી માત્ર 40 થી 42 હજાર મેટ્રિક ટન જ માલ આવ્યો છે. જેથી જરૂરિયાત સામે 20 હજાર મેટ્રિક ટન યુરિયા કચ્છમાં ઓછું આવ્યું છે જેથી આ મુદ્દે ઘટતું કરવામાં આવે તે જરૂરી છે.
વાગડથી માંડી લખપત સુધી સમગ્ર જિલ્લામાં યુરિયા ખાતરની ભારે અછત જોવા મળી રહી છે.જેના કારણે કિસાનો પરેશાન થઈ ગયા છે કારણકે 4 થી 5 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ માંડ બે ગુણી યુરિયા મળે છે અથવા તો કહી દેવાય છે કાલે આવજો.
ખેડૂત નેતા ચોબારીના જીતુભાઈ આહિરે યુરિયા ખાતરની અછત બાબતે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીને જણાવ્યું કે,કચ્છમાં દર વર્ષે રવિ સિઝન દરમ્યાન 60 હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરની જરૂરીયાત હોય છે.પરંતુ તેની સામે અત્યારસુધી 41 હજાર મેટ્રિક ટન ખાતર જ જિલ્લામાં કેન્દ્રો મારફતે ખેડૂતો સુધી પહોંચ્યું છે.જેથી હજી પણ અંદાજીત 20 હજાર મેટ્રિક ટન ખાતરની અછત વર્તાઈ રહી છે.જો હાલમાં સીઝન દરમ્યાન માલ નહિ મળે તો પાકને પણ ખતરો હોવાનું જણાવી તાત્કાલિક ધોરણે કેન્દ્રોમાં પૂરતો અનાજનો જથ્થો પહોંચાડવા માટેની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે,જગતનો તાત પોતાના ખેતરમાં પોતાનો પાક ઉગાડવા માટે આજે લાઈનમાં આવીને ઉભો રહી ગયો છે.આ વાસ્તવિકતા વચ્ચે આ કપરી પરિસ્થિતિને નિવારવા તંત્ર કે સરકાર પાસે કોઈ તોડ નથી તેઓ માત્ર પૂરતો જથ્થો હોવાનું જણાવી સબ સલામતની આલબેલ પોકારી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.