ઋતુગત બીમારીઓને અટકાવવા સાવચેતી રાખવી જરૂરી:કચ્છમાં ઠંડી થકી હૃદયરોગ-લકવાના દર્દીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હેલ્ધી સિઝનમાં ઋતુગત બીમારીઓને અટકાવવા સાવચેતી રાખવી જરૂરી
  • ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ મુખ્યત્વે જોવા મળે છે કેસો : ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ અને વૃદ્ધોને જોખમ ઘણું

રાજ્યના સૌથી ઠંડા મથકોમાં કચ્છના નલિયા,ભુજ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ કચ્છમાં વધુ ઠંડી પડે છે.જેથી આ ઋતુગત સીઝનમાં શરદી,ઉધરસ,ખાંસીની સાથે હૃદયરોગના હુમલાઓ તેમજ લકવો અને દમ સહિતના બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે.જિલ્લામાં સામાન્ય સીઝન કરતા ઠંડીના કારણે આ બીમારીઓમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

ડિસેમ્બરની શરૂઆતથી જ જિલ્લામાં શિયાળાની ઠંડી જામી ગઇ છે ત્યારે ટાઢ વધવાની સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઠંડીથી હૃદયની રકતવાહિ‌નીઓમાં ખેંચાવ આવી જવાથી હૃદયરોગીઓને આ સિઝનમાં વધુ સાવધ રહેવું આવશ્યક છે.ખાસ તો ડાયાબિટીસ,બીપી ધરાવતા દર્દીઓ તેમજ વૃધ્ધોએ વધુ તકેદારી રાખવી જોઈએ જેનાથી રોગથી બચી શકાય છે. ઉલ્લેખનીય છે કે,બિનચેપી રોગના દર્દીઓની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા નિરામય ગુજરાત યોજના શરૂ કરવામાં આવી છે, સપ્તાહમાં શુક્રવારે કોઈ પણ સરકારી દવાખાનામાં વ્યક્તિ બિનચેપી રોગોની નિઃશુલ્ક સારવાર મેળવી શકે છે.

બીમારીઓથી બચવા માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ આપી આ સલાહ
ઠંડીની સીઝનમાં શરદી,ઉધરસ,તાવની સાથે દમ તેમજ હૃદય રોગ અને લકવાની બીમારીઓનુ પ્રમાણ સામાન્ય દિવસો કરતા વધુ હોય છે.વધુ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સહિતની બીમારી ધરાવતા અને વૃદ્ધ લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. તેઓના શરીરમાં લોહીની અંદર પ્લેટનેટની સંખ્યા વધી જાય તો ગંઠાઇ જવાની શક્યતા વધી જાય છે.

હ્ર્દયમાં લોહી જામી જાય તો હૃદયરોગ અને મગજની ધમનીઓમાં લોહી જામી જાય તો લકવો થવાની સંભાવના રહે છે. જેથી આવી બીમારીઓથી બચવા માટે લોકોએ ગરમ વસ્ત્રો પહેરવા જોઈએ તેમજ કાન ઢકાઇ રહે તેનું ધ્યાન રાખવું સાથે કાવો સહિતના ગરમ પીણા અને લીલા શાકભાજીની સાથે સૂંઠ અને આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ તેમજ શરીરને હલનચલનમાં રાખવું જોઈએ જેથી આ બીમારીઓથી બચી શકાય તેવું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો.કશ્યપ બુચે જણાવ્યું હતું.

ધ્રુમપાન-વ્યસનીઓએ વધુ સાવચેતી રાખવી
જે લોકો સ્મોકિંગ કરે છે અથવા તમાકુ અને ગુટખાના વ્યસનની ટેવ ધરાવે છે તેઓએ આ સીઝનમાં વધુ સાવચેતી રાખવી જોઈએ કારણકે,તેઓને પગની ધમનીઓ સંકોચાઈ જતા પગમાં ઝણઝણાટી અને ખાલી આવી જવાની સંભાવના વધી જાય છે.

એસિડિટીની અવગણના ન કરો : ફિજીશિયન
ફિજીશિયન તબીબ ડો.દીપ ઠક્કરે જણાવ્યું કે,શિયાળાની સીઝનમાં ડાયાબિટીસ,બ્લડપ્રેશર, મેદસ્વીતાપણું ધરાવતા હોય તેવા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ ઘણા લોકોને એસિડિટીના કારણે છાતીમાં દુખાવો થાય તો અવગણના કરી દે છે. શક્ય હોય તો ઇસીજી કરાવવો જોઈએ જેથી સારવાર થઈ શકે. હાર્ટ એટેકમાં દુખાવો સાથે ડાબી બાજુનો ખભો, હાથ અને કમરમાં પણ દુખાવો આવી શકે તેમ છે જેથી કુમળા તડકામાં વોકિંગ કરવું જોઈએ તેમજ તળેલા અને ચરબીવાળા ખોરાકની અવગણના કરી લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ.

હ્ય્દયરોગના હુમલાના લક્ષણો
> છાતીમાં દર્દ અને ભારેપણું આવી જવું > ખભામાં પીડા થવી
> શ્વાસ લેવામાં તકલીફ ઉત્પન્ન થવી > વધુ પડતો પરસેવો થવો

હાર્ટ એટેકથી કઈ રીતે બચશો...
> છાતીમાં કોઈપણ પ્રકારની પીડા થાય અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તો તત્કાલ નિષ્ણાત ડોકટરનો સંપર્ક કરવો
> હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પિડીત દર્દીઓને નિયમિત ચેકઅપ કરાવવું અને દવા લેવી
> ઠંડીમાં બહાર નિકળતા પૂર્વે ગરમ કપડા પહેરી રાખવા
> ખુબ તેલવાળા અને ગળપણવાળા પદાર્થોથી બચવું.

અન્ય સમાચારો પણ છે...