ભોમિયા વિના ભમ્યા ડુંગરા:20 સાહસિક યુવાનો 1 દિવસમાં કચ્છના છ ડુંગરો ખૂંદી વળ્યા

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
‘રનર્સ ગ્રુપ’ના યુવાનો ધિણોધર ખાતે - Divya Bhaskar
‘રનર્સ ગ્રુપ’ના યુવાનો ધિણોધર ખાતે
  • 200 થી 900 ફૂટ ઉંચાઇ ધરાવતા કુદરતી સૌંદર્ય સાથેના ડુંગર પર કરી રોચક યાત્રા
  • ‘રનર્સ ગ્રુપ’ના ઉત્સુક યુવાનોએ રવિવારે અઢાર કલાકમાં 240 કિમી પ્રવાસ અને 7 હજાર ફૂટનું આરોહ-અવરોહણ કર્યું
  • પરોઢીયે નીકળેલા યુવાનોએ મોડી રાત સુધી ભુજિયો, ધિણોધર, વીંછિયો, વરાહ, નનામો અને સાંયરા ડુંગર પર ભ્રમણ કર્યું

યુવાનોમાં સાહસ વૃત્તિ વધે એવા ઉદ્દેશ સાથે છેલ્લા પાંચ વર્ષથી ભુજનું એક ગ્રુપ વિવિધ સાહસિક પ્રવૃત્તિનું આયોજન કરે છે. રવિવારે આ રનર્સ ગ્રુપના વીસ યુવાનો વહેલી પરોઢે કચ્છના છ ડુંગર ખૂંદવા નીકળ્યા જે સાહસિક યાત્રા રાત્રે સાડા નવ વાગ્યે નનામા ડુંગર પર પૂર્ણ કરી.

‘રનર્સ ગ્રુપ’ના યુવાનો વીંછિયો ખાતે
‘રનર્સ ગ્રુપ’ના યુવાનો વીંછિયો ખાતે

‘સિક્સ હિલ્સ એ ડે’ અંતર્ગત રવિવાર તારીખ 26ના પરોઢે 3.30 વાગ્યે વીસ યુવાઓની ટીમ ભુજથી નીકળી સૌપ્રથમ ભૂજિયો ડુંગર પહોંચ્યા. જ્યાં પગથિયા હોવાથી આરોહણ સરળ હતું. ત્યાંથી સુમરાસર જત પાસે આવેલા વરાહ (ખટલો) ડુંગર પહોંચ્યા. ત્યાંથી વિંછીયો ડુંગર સવારે આઠ વાગ્યે પહોંચ્યા, કાંટાળા રસ્તા પર આરોહણ કરતા અઢી કલાક જેટલો સમય લાગ્યો. છસ્સો ફૂટ ઊંચાઈ ધરાવતા આ ડુંગરની ટ્રેકિંગ સૌથી અઘરી રહી. ત્યાંથી કચ્છમાં બીજા નંબરની ઊંચાઈ ધરાવતા ધિણોધર ડુંગર પહોંચ્યા. તેની તળેટી થાનથી ટ્રેકિંગ શરૂ કર્યું, ગરમીની શરૂઆતનો અહેસાસ ત્યાં થાય છે. છેલ્લી ચઢાઈ જોખમી છે. બપોરના ભોજન બાદ નખત્રાણા તાલુકાના મોટા યક્ષ પાસે આવેલા સાંયરો કે જે 550 ફૂટની ઊંચાઈ ધરાવે છે, ત્યાં આરોહણ કર્યું. ત્યાંથી સમી સાંજે મંગવાણા નજીક આઠસો ફૂટ ઊંચા નનામા ડુંગર દિવસનું અંતિમ આરોહણ કર્યું.

સાહસ પ્રવાસ વિશે વાત કરતાં પાર્થ જણાવે છે કે, આ બધા ડુંગરમાં આરોહણ કરવામાં સૌથી અઘરો વિંછીયા ડુંગર રહ્યો. તેની ઊંચાઈ સાતસો ફૂટ છે પણ, તેની ભૌગોલિક રચના એવી છે કે 70 ડિગ્રીના કોણે ચડવાનું હોય છે. કેડી પણ નથી માટે વધુ વિકટ બને છે. છ માંથી ચાર ડુંગર પર રસ્તો ન હોવાથી ટ્રેકિંગ કરવાનું થયું, જ્યારે ભૂજીયો અને સાંયરા પર જવા માટે પગથિયા હોવાથી ચાલીને જઈ શકાય છે. આમ કુલ અઢાર કલાકમાં 250 કિલોમીટરની મુસાફરી અને સાત હજાર ફૂટ જેટલું આરોહ અને અવરોહણ કર્યું. 32 કિલોમીટર ટ્રેકિંગ કર્યું. આ એડવેન્ચર ટુરનું ડૉ.આલાપ અંતાણી, ડૉ.જીગર ઠક્કર, પાર્થ ગોસ્વામી, રાજ ઠક્કર, કપિલ ભવાની, સત્યા શેટ્ટી, હિતેશ બિજલાનીએ આયોજન કર્યું હતું.

લાંબા અંતરની દોડમાં સભ્યો ભાગ લઈ ચૂક્યા છે
વર્ષ 2018થી સ્થાપાયેલા ભુજના રનર્સ ગ્રુપ કે જેમાં સાઈઠ જેટલા કુલ સભ્યોમાંથી ચાલીસથી વધુ એક્ટિવ મેમ્બર્સ છે તે સામાજિક સંસ્થા અને અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈને કચ્છમાં ભુજ, ગાંધીધામ સહિત અન્ય શહેરોમાં દોડનું આયોજન કર્યું છે. આ ગ્રુપના અમુક સભ્યો મેરેથોન દોડમાં ભાગ લઈ ચૂક્યા છે. ત્રીસ મેમ્બર્સ મુંબઈ, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ફૂલ મેરેથોન (42કિમી.) અને હાફ મેરેથોન (21કિમી) કરી છે.

અન્ય સમાચારો પણ છે...