તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:4 દરોડામાં 4.22 લાખના શરાબ સાથે બે પકડાયા, બે ફરાર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં ઓક્સિજનના બાટલા મળે કે ન મળે, દારૂની બોટલો જરૂર મળે !

કચ્છમાં દારૂની બદીને નાથવા પોલીસના અથાગ પ્રયત્નો છતાં બહારથી કચ્છમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ખડકાઇ રહયો છે. મંગળવારે એક જ દિવસમાં પોલીસે કચ્છના કુકમા, ડુમરા ગાંધીધામ અને ખેડોઇ સહિતના વિસ્તારમાં ચાર દરોડા પાડીને રૂપિયા 4,22 લાખનો દારૂનો જથ્થો સાથે બે શખ્સને પકડી પાડ્યા હતા. પણ બે બુટલેગરો હાથ લાગ્યા ન હતા. નોંધનીય છે કે, કોરોના કાળમાં પણ દારૂની હેરફેર બંધ થઇ નથી.

કુકમામાં પોલીસે પીછો કરી એક લાખના દારૂ સાથે કાર પકડી, આરોપી નાસી ગયો
કુકમા ગામે વણકરવાસમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ વણકર પોતાના રહેણાકના મકાનમાં છુટકમાં દારૂ વેચતો હોવાથી એલસીબીએ છાપો માર્યો, પણ પોલીસ પહોંચે તે પહેલા આરોપી કારમાં દારૂ લઇને ભાગ્યો હતો. પોલીસે પીછો કરતાં આરોપી દારૂ સાથેની કાર ગામના રબારી વાસમાં મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે એક લાખની કાર અને રૂપિયા 1,09,915ની કિંમતની 301 નંગ બોટલ કબજે કરી આરોપી વિરૂધ પધ્ધર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

ડુમરા ગામે મકાનમાંથી 1.82 લાખના દારૂ-બીયરના જથ્થા સાથે શખ્સ જબ્બે : માલ આપનારનું નામ ખુલ્યું
અબડાસા તાલુકાના ડુમરા ગામે રહેતા ભાવસિંહ ઉર્ફે ભાવેશસિંહ રાઠોડ પોતાના રહેણાકના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને તેના કબજામાંથી રૂપિયા 1,72,275ની કિંમતની 481 વિદેશી શરાબની બોટલો અને 9,600ના 96 નંગ બીયરના ટીન સહિત રૂપિયા 1,81,875 તેમજ 5 હાજરનો એક મોબાઇલ મળીને 1,86,875નો મુદામાલ કબજે કર્યો હતો. આરોપીને માલ મુળ માંડવી બિદડાનો અને હાલ ગાંધીધામ રહેતો બુટલેગર સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા આપી ગયો હોવાનું ખુલતાં એલસીબીએ બન્ને વિરૂધ કોડારા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

ગાંધીધામમાં દારૂની 22 બોટલ સાથે 1 પકડાયો, 1 ફરાર
મહેશ્વરીનગર ઝૂંપડામાં રહેતો પ્રકાશ જખુભાઇ બળગાના મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂ.7,700 ની કિંમતના વિદેશી શરાબની 22 બોટલ સાથે પ્રકાશને પકડી લીધો હતો. પરંતુ અન્ય આરોપી શ્યામ કલ્યાણ મહેશ્વરી હાજર મળ્યો ન હતો.

ખેડોઇના મકાનમાંથી 1.23 લાખનો દારૂ મળ્યો, આરોપી છૂ
અંજાર તાલુકાના ખેડોઇ ગામમાં રહેતા યોગેન્દ્રસિંહ સુખદેવસિંહ જાડેજા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેંચતો હોવાની પીઆઇ એમ.એન.રાણાને મળેલી બાતમીના આધારે તેના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તેના મકાનમાંથી રૂ.1,23,300 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 348 બોટલો મળી આવી હતી. પરંતુ આ દરોડા દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...