• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • 153 Such Complaints Pertaining To Various Departments From The District, The Highest Being 58 Complaints Pertaining To The Panchayat Department And The Municipality

ફરિયાદો:જિલ્લામાંથી વિવિધ વિભાગોને લગતી આવી 153 ફરિયાદ, સૌથી વધુ પંચાયત વિભાગ અને પાલિકાને લગતી 58 ફરિયાદો

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફ્રી હેલ્પલાઇન : 8 દિવસમાં રજૂઆતોનો ઢગલો, સરકારી કચેરીઓમાં કામ ન થતા હોય તો 1800-233-8646 પર કોલ કરો : 40 ફરિયાદનો નિકાલ
  • દબાણ સહિતના 24 પ્રશ્નોનો વચ્ચગાળાના તબક્કે કરાશે નિકાલ

કચ્છમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો માટે જે-તે કચેરીમાં રૂબરૂ જવું ન પડે અને માત્ર અેક ફોનથી લોકોના પ્રશ્નોનો નિકાલ થાય તે માટે કલેક્ટર દ્વારા તા.27-9થી 1800-233-8646 હેલ્પલાઇન શરૂ કરાઇ છે, જેના પર તા.6-10 સુધીમાં અાવેલી 153 ફરિયાદોમાંથી 40નો નિકાલ કરાયો છે અને 24 પ્રશ્નોનો વચ્ચગાળાના તબક્કે નિકાલ કરવામાં અાવશે. જિલ્લાના કોઇપણ વિભાગની કચેરીને લગતી રજૂઅાત, ફરિયાદો લોકો જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરી શકે તે માટે અા ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરાઇ છે.

સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હેલ્પલાઇન પર અાવેલી ફરિયાદો પર દ્રષ્ટિપાત કરીઅે તો તા.27-9થી તા.6-10 સુધીમાં જિલ્લાના વિવિધ વિભાગોને લગતી 153 ફરિયાદો અાવી છે, જે પૈકી વૃદ્ધ સહાય, કિસાન નિધિ સહાય સહિત વિવિધ સહાય યોજનાઅોને લગતા 40 પ્રશ્નોનો ત્વરીતતાથી નિકાલ કરાયો છે. ઉપરાંત દબાણ વગેરેને લગતા 24 પ્રશ્નોનો વચ્ચગાળાના તબક્કે નિકાલ કરાશે. કારણ કે, દબાણ જેવા પ્રશ્નોમાં સ્થાનિકે તપાસ કરવી પડે, માપણી કરવી પડે, ફરિયાદી અને સામેવાળા અેટલે કે, બંને પક્ષોને સાંભળવા પડે, જેથી તમામ પાસાઅોને તપાસીને નિકાલ કરવામાં અાવશે.

કુલ 153 ફરિયાદોમાંથી સાૈથી વધુ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને લગતી 37 અને નગરપાલિકાઅોને લગતી 21 ફરિયાદો અાવી છે. અત્યાર સુધી પીજીવીસીઅેલ 7, પુરવઠા વિભાગની 5 ફરિયાદો સહિત જમીન માપણી, કલેક્ટર કચેરી, અેસ.ટી. પોલીસ, મામલતદાર કચેરી, પીજીવીસીઅેલ, રોડ સહિત જિલ્લાના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો હેલ્પલાઇન પર રજૂ થયા છે.

અંતે માનકુવાની ખાનગી શાળાઅે શિક્ષકને પગાર અાપવા તૈયારી બતાવી
માનકુવાની ખાનગી શાળામાં કોરોનાકાળમાં ફરજ બજાવી હોવા છતાં નખત્રાણાના શિક્ષકને શાળાઅે પગાર અાપવાની ના પાડી દીધી હતી. અા મુદ્દે શિક્ષકે હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી, જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને જાણ કરાતાં અંતે શાળાના અાચાર્યઅે શિક્ષકને પગાર અાપી દેવાની તૈયારી બતાવી હતી.

ભારે વરસાદમાં અંજારમાં પડી ગયેલો વીજપોલ ફરિયાદ બાદ ઉભો થયો
તાજેતરમાં અંજારમાં પડેલા ભારે વરસાદમાં વીજ થાંભલો પડી ગયો હતો અને અા મુદ્દે સ્થાનિકે વીજ તંત્રનું ધ્યાન દોરાયું હોવા છતાં દાદ ન અાપતાં હેલ્પલાઇન પર ફરિયાદ કરાઇ હતી. જે મુદ્દે જિલ્લા કક્ષાઅેથી સ્થાનિક તંત્રનો સંપર્ક કરાતાં અંતે સ્થાનિક વીજ તંત્રઅે તાત્કાલિક વીજપોલ ઉભો કરી દીધો હતો.

બોલો ! બંને હાથ ન હોય તો અાધારકાર્ડ ન બને
જિલ્લા મથક ભુજમાં મામલતદાર કચેરીઅેથી હાસ્યાસ્પદ કિસ્સો બહાર અાવ્યો છે. અેક દિવ્યાંગને બંને હાથ ન હોઇ તેવા બહાના તળે અાધારકાર્ડ નહીંં બને તેવું જણાવાતાં દિવ્યાંગે હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. જેથી સંબંધિત અેજન્સીનું અા મુદ્દે ધ્યાન દોરાતાં તે દિવ્યાંગનું અાધારકાર્ડ અંતે બનાવવું પડ્યું હતું. અાધારકાર્ડ વખતે હાથ અને અાંખોનું પણ સ્ક્રિનિંગ કરાતું હોય છે તેમ છતાં હાથ ન હોઇ તેવા બહાના તળે અાધારકાર્ડ બનાવવાની ધરાર ના પાડી દેવાઇ હતી ત્યારે પ્રશ્ન અે થાય કે, અા રીતે જિલ્લાના અભણ અને અજ્ઞાન લોકોને પોતાના કામ, પ્રશ્નોના નિરાકરણ માટે કેટલી મુશ્કેલી પડતી હશે.

દર અઠવાડિયે મળશે સમીક્ષા બેઠક
જિલ્લામાંથી અાવતી ફરિયાદોના નિકાલ માટે જે-તે વિભાગના અધિકારીઅો સાથે ટેલીફોનિક, વીડિયો કોન્ફરન્સથી જાણ કરાય છે પરંતુ ત્યારબાદ પણ જે-તે પ્રશ્નનો નિકાલ અાવ્યો કે નહીં તેની સમીક્ષા કરાય છે. ઉપરાંત સંબંધિત ફરિયાદીને ફોન કરીને પણ સમસ્યાનો નિવેડો અાવ્યો કે નહીં તેની પૂછપરછ કરાય છે. વધુમાં હવેથી દર અઠવાડિયે બેઠક યોજીને સંબંધિત અાવેલી ફરિયાદો મુદ્દે સમીક્ષા કરવામાં અાવશે.

લોકોને મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર અન્ય બે નંબરો પર ડાયવર્ટ
કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા લોકોના પ્રશ્નોના નિકાલ માટે હેલ્પલાઇન શરૂ કરાઇ છે અને અેક સાથે 2થી વધુ કોલ અાવે તો લોકોને મુશ્કેલી ન પડે તે માટે હાલે કાર્યરત હેલ્પલાઇન નંબર ચાલુ હોય અને અન્ય કોલ અાવે તો તે કોલ અોટોમેટીકલી ટ્રાન્સફર થઇ જાય તે માટે અન્ય બે નંબર પર હેલ્પલાઇન નંબર ડાયવર્ટ કરાયા છે.

લોકોના કામ ન થતા હોય તેવા કિસ્સામાં જવાબદારો સામે પગલા લેવાશે ?
કલેક્ટર દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઇન થકી વહીવટી પ્રક્રિયામાં રહેલી અમુક ખામીઅો ચોક્કસ દુર થશે પરંતુ જયારે કોઇ અરજદારનું કામ ન થતું હોય, લાંબા સમયથી કોઇ પ્રશ્નનો ઉકેલ ન અાવતો હોય તો તેવા કિસ્સામાં જવાબદાર અધિકારી, કર્મચારીઅો સામે પગલા ભરાશે ખરા ? તેવા પ્રશ્નો લોકો દ્વારા ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...