રોગચાળો બેકાબુ:કચ્છમાં વાયરલ ફિવરમાં 150%નો ઉછાળો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 દિવસમાં જ સરકારી દવાખાનામાં તાવના 31,427 કેસ, ખાનગી હોસ્પિટલોમાં સ્થિતિ વિકટ
  • ગત વર્ષે આ સમયગાળામાં 20,411 દર્દી નોંધાયા હતા

કચ્છ જિલ્લામાં ચોમાસાની સીઝન બાદ હાલમાં વાયરલ બીમારીએ માથું ઊંચક્યું છે,સરકારી દવાખાનાઓ તો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં ચાલુ માસના 17 દિવસોમાં તાવના 31,427 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.આ આંકડાકીય માહિતી ગત વર્ષની તુલનાએ ઘણી વધારે છે ત્યારે વાયરલ ફીવરના આ વાવરમાં લોકો સમજદારી રાખી તાત્કાલિક નિદાન કરાવે એ અનિવાર્ય બની ગયું છે.

હાલમાં શહેરો હોય કે ગ્રામીણ વિસ્તાર મોટાભાગના લોકોને ઘરે તાવની બીમારી જોવા મળી રહી છે.દરેક ઘરમાં શંકાસ્પદ તાવના લક્ષણો જોવા મળી રહ્યા છે જોકે એક બાબત છે કે,અગાઉ લોકો તાવને સામાન્ય ગણી ઉપચાર કરવાનું ટાળી દેતા હતા જોકે જ્યારથી કોવિડ બીમારીનો પગપેસારો થયો છે ત્યારે લોકો તાવને હળવાશથી લેતા નથી અને જરા સહેજ લક્ષણ જણાઈ આવે તો તાત્કાલિક નિદાન માટે દવાખાનાઓમાં પહોંચી જાય છે.

જિલ્લામાં ચોમાસાની સીઝન પૂર્ણ થતાની સાથે જ મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લઈ લીધો છે.ડેન્ગ્યુ,મેલેરિયા, ચીકનગુનીયા,કોરોના સહિતની કોઈપણ પ્રકારની બીમારીમાં શરૂઆતમાં તાવના લક્ષણો જણાઈ આવે છે જેથી ખાનગી સહિત સરકારી દવાખાનાઓ તાવના દર્દીઓથી ઉભરાઈ ગયા છે.જોકે દર્દીઓનું નિદાન કરી યોગ્ય ઉપચાર કરવામાં આવતા બીમારીને કાબુમાં રાખી શકાઇ છે.

મળતી માહિતી પ્રમાણે,જિલ્લામાં 67 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,16 સામુહિક આરોગ્ય કેન્દ્ર,10 અર્બન હેલ્થ સેન્ટર,3 સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અંજાર,માંડવી અને રામબાગ તેમજ મુખ્ય સરકારી હોસ્પિટલ જી.કે.જનરલ આવેલી છે જ્યાં ચાલુ માસમાં 17 દિવસો દરમ્યાન સામાન્ય તાવના 31,427 દર્દીઓ નોંધાયા છે. જેની તુલનાએ ગત વર્ષે આ સમયગાળામાં 20,411 જેટલા કેસ નોંધાયા હતા જે ગત વર્ષની સરખામણીએ 11 હજાર જેટલા વધુ છે.વાયરલ ફીવરથી દવાખાના ઉભરાઈ રહ્યા છે ત્યારે તકેદારી અનિવાર્ય બની રહે છે.

લક્ષણો જણાય તો નજીકના દવાખાનામાં ઉપચાર કરાવો : મેલેરિયા અધિકારી
આરોગ્ય કર્મચારીઓ દ્વારા સર્વેલન્સની કામગીરી વધારવામાં આવતા આ વખતે ગત વર્ષની તુલનાએ ફિવરના કેસો વધ્યા છે.દવાખાનામાં આવતા તાવના દર્દીની તપાસણી કરી તેના રિપોર્ટના આધારે કયા પ્રકારનો તાવ છે તેનું નિદાન કરી ઉપચાર કરવામાં આવે છે.હાલના સમયે જરા સહેજ પણ લક્ષણો જણાઈ આવે તો નજીકના સરકારી દવાખાનામાં સારવાર લઈ લેવા જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઈ દુર્ગાણીએ અપીલ કરી હતી તેમજ ઘરમાં પાણીના પાત્રો ઢાંકીને રાખવા, સાફ સફાઈ રાખવી, આખી બાયના કપડાં પહેરવા સહિતના તકેદારીના પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

સર્વેલન્સના કારણે દર્દીઓની સંખ્યા વધુ આવી
ગત વર્ષે કોવિડના કેસો નોંધપાત્ર રીતે સામે આવ્યા હોવાથી સમગ્ર આરોગ્ય સ્ટાફ કોવિડ કામગીરીમાં પરોવાયેલો હતો તેમજ લોકો સમજદારી રાખી ઉપચાર પણ કરાવતા હતા. જેથી વાયરલ ફીવરના કેસો પ્રમાણમાં ઓછા હતા. જોકે,આ વખતે કોવિડના કેસો નથી. જેથી આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો સહિત સૌ કોઇ ઘરોધર ફરી વળ્યાં હતા અને ઘરે ઘરે તપાસ અને સર્વેલન્સ દરમ્યાન વધુ કેસો તારવી શકાયા હતા.આ વખતે તંત્રએ સર્વેલન્સ વધારતા કેસોની સંખ્યા વધી હોવાનું જાણવા મળ્યું છે.બીમારીનો વ્યાપ અટકાવવા માટે આરોગ્ય કર્મયોગીઓ પણ સતત મહેનત કરી રહ્યા છે.

ચિકનગુનિયાના 104 શંકાસ્પદ કેસ, પોઝિટિવ નહીં
સામાન્ય તાવ સાથે સાંધામાં દુખાવો થવો અને શરીર ઝકડાઈ જાય તએ ચિકનગુનિયાના લક્ષણ છે. જિલ્લામાં ભુજ સહિતના વિસ્તારોમાં આવા લક્ષણો ધરાવતા દર્દીઓ સામે આવી રહ્યા છે ત્યારે સતાવાર ધોરણે ચાલુ માસના 17 દિવસોમાં જ કચ્છમાં ચિકનગુનિયાના શંકાસ્પદ 140 જેટલા કેસો સામે આવ્યા છે.જોકે નવાઈ વચ્ચે એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી પરંતુ આ બીમારીએ પણ પગપેસારો કરી લીધો છે.

રાપરના ધબડામાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, તંત્રમાં દોડધામ
કચ્છ જીલ્લામાં સમયાંતરે કોંગો ફિવરના દર્દીઓ જોવા મળતા હોય છે ત્યારે રાપર તાલુકાના ધબડા ગામમાં આ રોગના શંકાસ્પદ દર્દીઓ જોવા મળતા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકના માર્ગદર્શન હેઠળ જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી, રાપર તાલુકા આરોગ્ય અધિકારીની ટીમ તેમજ પશુપાલનની વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઈને રોગ અટકાયતી કાર્યવાહી કરાઈ હતી. જે અંતર્ગત આખા ગામના 179 ઘરોનું ટીમ મારફતે સર્વે કરાયું હતું.જ્યાં એકપણ શંકાસ્પદ દર્દી જોવા મળ્યો ન હતો. જોકે પશુપાલન વિભાગ દ્વારા પશુઓના વાડા તેમજ આસપાસ ઈતરડીનાશક દવાઓનું છંટકાવ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે,કોંગો ફીવર વાયરસ પાલતુ પ્રાણીઓ પર રહેલી ઈતરડી મારફતે માણસમાં પ્રવેશે છે. આ વાયરસ માણસ માટે ખુબ જ ઘાતક સાબિત થાય છે.જેમાં તાવ, માથુ દુઃખવું, પેટમાં દુઃખવુ, શરીરમાં દુઃખાવો, ઝાડા-ઉલટી વગેરે લક્ષણો જોવા મળે છે.આ રોગને અટકાવવા માટે સમયાંતરે ઈતરડી નાશક કામગીરી કરવી જરુરી છે.

અન્ય સમાચારો પણ છે...