તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:સુરજબારી-માળિયા વચ્ચે 15 કિમી મહા ટ્રાફિકજામ

સામખિયાળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના-મોટા વાહનો ત્રણ કલાક સુધી માર્ગમાં અટવાતાં ભારે હાલાકી : છાશવારે ટ્રાફિક જામ છતાં તંત્ર અને પ્રજાકીય પ્રતિનિધિઓની ભેદી ચૂપકિદી

હરીપર પાસે રેલવે ક્રોસિંગ બ્રિજનું મરંમત કામ ચાલુ હોતાં અવાર નવાર ટ્રાફિક જામ સર્જાય છે. શનિવારે ફરી સમસ્યા પેદા થતાં સુરજબારી ટોલનાકાથી માળિયા સુધી 15 કિલો મીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. રસ્તા પર નાના-મોટા વાહનો ત્રણ કલાક જેટલા સમય માટે અટવાઇ જતાં ચાલકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બ્રિજના મરંમત કામમાં યોગ્ય સંકલનના અભાવે ટ્રાફિકજામ સર્જાય છે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. શનિવારે ટ્રાફિકજામને કારણે વાહનોની 15 કિલો મીટર લાંબી લાઈનો લાગી હતી અને આ અંતર કાપતાં વાહન ચાલકોને 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. જે રસ્તા પર ટ્રાફિકજામ થાય છે તેની બંને બાજુ રણ અને દરિયાઈ પટાનો ભાગ હોતાં ડાવર્ઝન કાઢવાનું મુશ્કેલ છે તેની વચ્ચે હરીપર બ્રિજ પાસે નાના વાહનો માટે ખેતરોમાંથી ડાયવર્ઝન કાઢીને હંગામી રસ્તો બનાવાયો છે પણ ટ્રાફિક ઓછો થવાનું નામ નથી લેતો જેને કારણે વારંવાર સમસ્યા સર્જાય છે.

હરીપર પાસે જે બ્રિજનું કામ ચાલુ છે ત્યાં દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી અને ફરજ બજાવતા ઇજનેર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે 30/9 સુધી બ્રિજનું કામ પૂર્ણ કરી દેવામા આવશે. સુરજબારી ટોલ નાકે વાહન ચાલકો તગડો ટોલ ચૂકવે છે તેમ છતાં 15 કિલો મીટરનું અંતર કાપવામાં 3 કલાક જેટલો સમય વેડફાઇ જતાં રોષે ભરાયેલા વાહન ચાલકોએ ટ્રાફિકજામ હોય ત્યારે ટોલ ન લેવો જોઈએ તેવી માગ કરી હતી.

ટોલનાકે પાણી, ટોઇલેટની સુવિધાના અભાવે પ્રવાસીઓને મુશ્કેલી
અવાર નવાર ટ્રાફિકજામ થાય છે એ 15 કિલો મીટરના પટ્ટામાં કોઇ હોટેલ ન હોતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય છે. અગાઉ કચ્છના પોલીસ વડાએ હાઇવે પર હંગામી ધોરણે સુવિધા ઉભી કરવા ટોલ કંપનીને સૂચન કર્યું હતું પણ આ દિશામાં કોઇ કામ થયું નથી. શનિવારે પરિવાર સાથે મુસાફરી કરી રહેલા લોકો અને ખાસ કરીને મહિલા વર્ગ મુશ્કેલીમાં મુકાયેલો હોવાનું નજરે ચડ્યું હતું. ટોલ વસૂલતી કંપનીએ પીવાનું પાણી અને ટોયલેટની સુવિધા પુરી પાડવી જોઈએ તેવી મુસાફરોની માગ છે.

પલાંસવા-ટીકર રોડનો પ્રસ્તાવ મુકાશે
વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા વિશે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આવતા મહિનાના અંત સુધી હરીપર બ્રિજનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. પલાંસવાથી ટીકર રોડ બનાવામાં આવે તો સુરજબારી પાસે જયારે જામ થાય ત્યારે ભારે ફાયદા કારક નીવડે તેમ છે. આ માટે સરકારમાં પ્રસ્તાવ મુકાશે તેમ સાંસદે ઉમેર્યું હતું.

દરિયાઈ પટ્ટીનો હાઇવે બને તો કાયમી ધોરણે છુટકારો
કંડલાથી સુરજબારી સુધી દરિયાઈ પટ્ટાના ખરીરોહર, પડાણા, ચીરઇ, વોંધ, છાડવાળા, જંગી, વાઢિયા જેવા ગામોને સાંકળતા ગામોમાં હજારો એકર સરકારી બંજર જમીન પડી છે. આ ગામોને આવરી લેતો હાઇવે બનાવામાં આવે તો ગાંધીધામ સહિતના શહેર માટે કાયમી ધોરણે ટ્રાફિક પ્રશ્ન હલ થઇ જાય તેમ છે. અત્રે નોંધનીય છે કે, ભુજોડી ઓવરબ્રીજ અને માળિયા પાસે ટ્રાફિકની સમસ્યા હવે રોજિંદી બની છે તેમ છતાં આ સમસ્યાના નિવેડા માટે તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાયા નથી. તો વળી પ્રજાકીય પ્રતિનિધિઓએ પણ આ ગંભીર મુદ્દે ભેદી રીતે ચૂપકિદી સેવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...