ભુજ નગરપાલિકાએ શહેરના 11 વોર્ડને 3 ઝોનમાં વહેંચી ત્રણ ઠેકેદારોને સફાઈનો ઠેકો આપ્યો છે. પરંતુ, ઓડિટમાં સ્વભંડોળ સિવાય અન્ય ગ્રાન્ટમાંથી ચૂકવણું કરવા સામે ક્વેરી નીકળી છે, જેથી ત્રણેય ઝોનની છેલ્લા 4 માસની સફાઈના ચૂકવણા અટકાવી દેવાયા છે. જેની આડ અસર રૂપે ઠેકેદારો સફાઈ કામદારોને પગાર સહિતના ખર્ચ ઉપાડવા અસમર્થ થઈ ગયા છે, જેથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં સફાઈના અભાવે ગંદકી વધી રહી છે.
ભુજ નગરપાલિકાઅે વોર્ડ નંબર 1, 2, 3, 4ને પહેલા ઝોનમાં વોર્ડ નંબર 5, 6, 7ને બીજા ઝોનમાં અને વોર્ડ નંબર 8, 9, 10, 11ને ત્રીજા ઝોનમાં વહેંચી ત્રણેય ઝોનની સફાઈના અલગથી ઠેકા આપ્યા છે, જેમાં 1 ઝોનનો ઠેકો માસિક 14.51 લાખથી 15 લાખમાં અપાયો છે, જેથી દર મહિને ત્રણેય ઝોનની સફાઈનો ખર્ચ 44 લાખ રૂપિયા જેટલો થાય છે. જે અત્યાર સુધી સ્વભંડોળમાં રકમ ન હોય તો અન્ય ગ્રાન્ટમાંથી ચૂકવી દેવાતો અને પાછળથી રકમ સરભળ કરવાની વ્યવહારિકતાથી કામ લેવાતું હતું. પરંતુ, અોડિટમાં ક્વેરી નીકળ્યા બાદ મુખ્ય અધિકારી અને અેકાઉન્ટ અોફિસે છેલ્લા પાંચેક માસના બિલોના ચૂકવણા કર્યા ન હતા.
છેલ્લે બેચાર દિવસ પહેલા અેકાદ બિલનું ચૂકવણું કરાયું છે. પરંતુ, ચારેક બિલના ચૂકવણા બાકી પડ્યા છે. જે અેકથી દોઢ કરોડ જેટલી રકમના છે. સૂત્રોના જણાવ્યા મુજબ આટલી મોટી રકમ અટકી જવાથી ઠેકેદારો પગાર સહિતના ખર્ચ ઉપાડવા અસમર્થ થઈ ગયા છે, જેથી સફાઈ કામગીરી માત્ર નામ પૂરતી જ થાય છે. જેની આડઅસરથી ગંદકી વધી રહી છે. જો આવી જ રીતે ચાલ્યું તો સ્વચ્છ ભારત રેન્કિંગમાં પણ નુકસાન થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.