વતન:મુંબઇથી 1429 શ્રમિકો કચ્છ આવી પહોંચ્યા

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆતો કરાયા બાદ કચ્છી માડુઓને લઇને આખરે બીજી ટ્રેન ભુજ આવી ખરી

મુંબઇમાં ધંધાર્થે સ્થાયી થયેલા કચ્છીઓને પરત લાવવા માટેની અનેક ફરિયાદો બાદ અંતે બીજી સ્પેશ્યલ ટ્રેન 1429 લોકોને લઇને ભુજ આવી પહોંચી હતી, જેઓ ત્રણ દિવસ સુધી પાંચ સ્થળોએ કવોરેન્ટાઇ થશે. કચ્છના લોકો મોટી સંખ્યામાં લાંબા સમયથી મહારાષ્ટ્ર ધંધાર્થે સ્થાયી થયા છે. હાલે માયાવી નગરી મુંબઇમાં કાતીલ કોરોનાએ કેર વર્તાવ્યો છે, જેથી આર્થિક રીતે સધ્ધર લોકો તો પોતાના વાહન મારફતે વતનની વાટ પકડી હતી પરંતુ શ્રમિકો અટવાયા હતા. કચ્છી કામદારોને વતન પરત લાવવા માટે અનેક સામાજિક, રાજકીય અગ્રણીઓએ રજૂઆતો કરી હતી, જેની ફળશ્રુતિરૂપે 1429 લોકોને બોરીવલીથી પ્રસ્થાન પામેલી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન શુક્રવારે સવારે ભુજ આવી પહોંચી હતી. ભુજ રેલવે સ્ટેશન પર સિવિલ ડિફેન્સ, પોલીસ સ્ટાફ દ્વારા લોકોને ટોકન આપવામાં આવ્યા હતા અને 20 બસ મારફતે સંસ્થાકીય કવોરેન્ટાઇન માટે લઇ જવાયા હતા. સામાજિક અંતરના પાલન સાથે સ્ક્રીનિંગ, મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી સવારે 11.30થી બપોરે 3.30 વાગ્યા સુધી કરવામાં આવી હતી.

ભુજ તાલુકાના 4 સહિત પાંચ સ્થળોએ કરાશે કવોરેન્ટાઇન
સ્પેશ્યલ ટ્રેન મારફતે આવતા શ્રમિકોને ગુજરાત સામાન્ય વહીવટી વિભાગની સુચના મુજબ 3 દિવસ માટે સંસ્થાકીય તેમજ 11 દિવસ હોમ કવોરેન્ટાઇન રહેવું પડશે. શુક્રવારે આવેલા બોરીવલીથી આવેલા કામદારોને ભુજની સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ તથા તાલુકાના કનૈયાબે અને ગડા પાટિયા તેમજ ગાંધીધામ તાલુકાના શિણાય મળી કુલ પાંચ સ્થળોએ 3 દિવસ માટે સંસ્થાકીય કવોરેન્ટાઇન કરાશે. ત્યારબાદ 11 દિવસ માટે હોમ કવોરેન્ટાઇન થવું પડશે.

એક શંકાસ્પદ શ્રમિકને હોસ્પિટલ ખસેડાયો
મુંબઇથી ટ્રેન મારફતે ભુજ આવેલા કામદારોનું મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું. આ તકે એક પ્રવાસી શંકાસ્પદ જણાતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. જોકે તેને લીવરની તકલીફ હોઇ ચક્કર આવતાં હોસ્પિટલ ખસેડાયાનું જાણવા મળી રહ્યું છે.

આજે ભુજથી પશ્ચિમ બંગાળ, ગાંધીધામથી ઓરિસ્સા શ્રમિક ટ્રેન જશે
શનિવારે ભુજથી બપોરે પશ્ચિમ બંગાળ જશે, જે ગાંધીધામ પણ ઉભી રહેશે. વધુમાં ગાંધીધામથી ઓરિસ્સા જવા માટે સ્પેશ્યલ શ્રમિક રવાના થશે એમ ભુજના પ્રાંત અધિકારી કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...