કોરોના મુક્ત કચ્છમાં શનિવારે વધુ 1363 કોરોના ટેસ્ટ કરાયા હતા. જોકે, સદભાગ્યે કોઈનો પોઝિટિવ રિપોર્ટ અાવ્યો નથી. જે સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ 7 લાખ 12 હજાર 719 ટેસ્ટ થઈ ગયા છે. બીજી તરફ વધુ 20029 વ્યક્તિને કોરોના સામે રક્ષણ અાપતી રસીના ડોઝ અપાયા હતા. જે સાથે અત્યાર સુધી કુલ 835647 ડોઝ અપાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 12597 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 12485 દર્દી સાજા થઈ ગયા છે. જોકે, અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસમાંથી હજુ સુધી સાજા થયેલા કુલ દર્દીનો અાંકડો બાદ કરીઅે તો 112ની સંખ્યા અાવે છે. પરંતુ, હજુ સુધી કોરોનાથી કુલ મોત 282 બતાવાયા છે, જેથી સાચા અાંકડા છુપાવવા અને ખોટા અાંકડા જાહેર કરવાની રમતમાં તંત્ર જ ગોટે ચડી ગયું છે. બીજી તરફ હોસ્પિટલમાં હવે અેકેય કોરોનાનો દર્દી સારવાર હેઠળ નથી. પરંતુ, લોકોના ટેસ્ટ કરવાનું હજુ પણ ચાલુ જ રખાયું છે કે બતાવાયું છે, જેમાં શનિવારે 1363ના ટેસ્ટ લેવાયાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, હાલ પોલીસ કેસ થયા હોય અેમની અટક કે ધરપકડ કરતી વખતે કોરોના ટેસ્ટ કરાવવાના હોય છે, જેથી અેવા કેસનો પણ સમાવેશ થઈ જતો હશે. દાખલા તરીકે ભુજ તાલુકાના કુકમા ગામના બહુ પ્રસિદ્ધિ મેળવેલા મહિલા સરપંચ કંકુબેન વણકર અને તેમના પતિ અમૃત વણકરની ખાનગી કંપની પાસેથી લાંચ સ્વીકાર્યાના કેસમાં ધરપકડ બાદ પાલારા જેલમાં ધકેલતા પહેલા કોરોના ટેસ્ટ કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.