સમસ્યા:મિરજાપર ધોરીમાર્ગ પર ગેરકાયદે ખડકી દેવાયેલી વધુ 12 દુકાનો તોડી પડાઇ : શહેરમાં ચોતરફ છે દબાણોની ભરમાર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભૂ-માફિયાઓ ભયમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાને ગંભીરતાથી લઇને કચ્છનું વહીવટી તંત્ર નિરંતર આવ્યું છે ‘એક્શન મોડ’માં
  • શહેરનો કોટ વિસ્તાર તેમજ સુખપરથી શેખપીર સુધીના માર્ગે સંખ્યાબંધ અતિક્રમણ
  • 5 કરોડની જમીન મુક્ત : ફરી ગેરેજ, દુકાન, બોરવેલના બાંધકામ ધ્વસ્ત
  • પૂર્વ કલેકટર આર.આર.વરસાણીના સમયમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી
  • કામગીરી સમયે સ્થાનિક લોકોએ પોલીસ કાફલા પર કર્યો હતો પથ્થરમારો
  • રાજકારણીની સંસ્થા માટે જમીન માંગણી હોવાની વાત જે તે સમયે ચર્ચાઈ હતી
  • ભંગારના વાડા, સર્વિસ સ્ટેશન અને રહેણાંક સહિતના અનેક થયા છે અનધિકૃત બાંધકામો

ભુજ અને આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણકારો અને ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરી છે અને સમયાંતરે દબાણો દુર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભુજ-મિરજાપર હાઇવે પર વધુ એકવાર 5 હજાર ચો.મી. સરકારી જમીન પરનું દબાણ શુક્રવારે હટાવાયું હતું.

સરકારી જમીન પરનું અતિક્રમણ દુર કરવા તંત્ર તરફથી સક્રિયતા દાખવી છે અને જુદી જુદી જગ્યાએ વાણિજય/કોમર્શીયલ હેતુ માટે સરકારી જમીન પર દબાણ કરાયાનું માલુમ પડતાં દબાણ હટાવ ઝુંબેશ જારી રહી છે. શુક્રવારે ભુજ-મિરઝાપર હાઈવે રોડ પર મોટર ગેરેજ, બોરવેલ, ફેબ્રિકેશન, ઈન્જીનિયરીંગ વર્કસ વગેરે સહિત 12 દુકાનો માટે સરકારી જમીન પર દબાણ કરી, પાકા બાંધકામ કરી દેવયા હતા, જે દબાણો જિલ્લા કલેકટરની સુચના મુજબ દુર કરાયા હતા. આશરે પાંચ કરોડ રૂપિયાની બજાર કિંમતની અંદાજિત 5000 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ભુજના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેકટર મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં દબાણો અને અનઅધિકૃત બાંધકામો આ જ રીતે ખુલ્લા કરવાની કામગીરી ચાલુ રહેશે. દબાણ પ્રવૃતિઓ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જરૂર પડશે તો દબાણકારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે દબાણકારોને સ્વેચ્છાએ દબાણ દુર કરી વહીવટી તંત્રને સાથ સહકાર આપવા અપીલ પણ કરી હતી. દબાણ હટાવ કામગીરીમાં ભુજ મામલતદાર યુ.એ.સુમરા, ભુજ સર્કલ ઓફિસર હરપાલસિંહ વાઘેલા, ભુજ શહેર પોલીસ વિભાગ, નગરપાલિકા, પી.જી.વી.સી.એલ.ની સંયુકત ટીમ જોડાઇ હતી.

ભુજિયા પાસે દાયકા પૂર્વે થયેલી મેગા ઝુંબેશના સ્થળે 3 ગણા દબાણ
એક મહિનામાં અંદાજે 25 કરોડથી વધુની બજાર કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર કામગીરી થઈ રહી છે. અત્યાર સુધીમાં જ્યારે જ્યારે આવી કામગીરી થઇ છે, અને કોઈ રાજકારણીની જમીન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવે કે તરત અધિકારીની બદલી થઇ ગઇ છે. કલેક્ટરના આદેશથી હાલ થઈ રહેલી દબાણ હટાવ અભિયાન આગળ વધે તેવું સામન્ય જનતા ઈચ્છે છે. આરટીઓ સર્કલ થી આત્મારામ સર્કલ તરફ જતા રસ્તે એક તરફ ભુજીયા ડુંગર છે તો બીજી તરફ રોડ ટચ અનધિકૃત બાંધકામો અનેક થઈ ગયા છે. સર્વિસ સ્ટેશન, ભંગારના વાડા અને રહેણાંક ખડકાઈ ગયા છે. 10 વર્ષ અગાઉ તત્કાલીન કલેકટર આર.આર. વરસાણીના સમયગાળામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. હાલ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ તંત્ર સખત બની કામગીરી કરે છે, તો આવા મોટા દબાણ દૂર કરીને ત્યાં પિકનિક પોઇન્ટ બને તે જરૂરી છે.

ચાર દાયકા પૂર્વેની ઝુંબેશ તાજી થઇ
80ના દાયકામાં ભુજના પ્રાંત અધિકારી તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા અને હાલે મુખ્ય સચિવ પદે આરૂઢ અનિલ મુકીમ અને તે વખતના પોલીસવડા પી.કે. ઝાની જોડીએ શહેરમાં વ્યાપક દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી ભૂમાફિયાઓમાં ફફળાટ ફેલાવ્યો હતો. વર્તમાન સમયે મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપતા મનીષ ગુરવાનીએ દબાણ હટાવ ઝુંબેશ આદરી છે. દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી છે. ગુરવાનીની આ કામગીરીને સરાહનીય ગણાવતા શહેરીજનોમાં ચાર દાયકા પૂર્વેની દબાણ હટાવ ઝુંબેશની યાદ તાજી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...