તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ધોળાવીરાના 12 ખેડૂતો 16 વર્ષથી સંપાદિત જમીનના (યોગ્ય) વળતરની રાહમાં

કકરવા3 મહિનો પહેલાલેખક: નૂરમામદ કાસમ
  • કૉપી લિંક
  • હડપ્પનનગર ટીંબા વિસ્તારની 250 એકર જમીન સંપાદીત કરાઇ હતી
  • તંત્રે દર્શાવેલી લાપરવાહીથી અમુક તો ખેડૂત ખાતેદાર પણ મટી ગયા !
  • ન્યાય નહિ મળે તો સરકારની બદનામી થાય તેવા પગલા ભરવાની ધરતીપુત્રો દ્વારા ચીમકી અપાઇ

હડપ્પન નગરીની વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરામાં 12 જેટલા ખેડૂતોની જમીન વર્ષ 2005માં સંપાદિત થયા બાદ આજ સુધી એક પણ કિસાનને તેનું વળતર મળ્યું નથી. આટલું ઓછું હોય તેમ આ પૈકીના કેટલાક ધરતીપુત્રો ખેડૂત ખાતેદારો પણ મટી ગયા છે. દોઢ દાયકા કરતાં વધુ સમયથી સંપાદિત જમીનના વળતરની રાહમાં બેઠેલા ખેડૂતોએ હવે જો ન્યાય નહીં મળે તો તંત્રની બદનામી થાય તેવા પગલા ભરવાની ચીમકી ઉચ્ચારી છે.

મળતી વિગતો મુજબ હડપ્પનનગર ટીંબા વિસ્તારની વર્ષ 2005માં અંદાજે 250 એકર જેટલી ખેતીની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જે તે સમયે એકર દીઠ 3000 રૂપિયા આપવામાં આવશે તેમ સરકારે જણાવ્યું હતું. ખેડૂતોને આ રકમ નાની પડી એટલે તેનો અસ્વીકાર કર્યો તેમજ વળતરની રકમ માટે વાંધો રજૂ કર્યો એને વર્ષો નીકળી ગયા પણ આ 12 ખેડૂતોની કોઈ દરકાર પણ નથી લેવાતી. છ જેટલા ખેડૂતો દલિત સમાજના છે અને તેમાંથી અમુક તો ખેડૂત ખાતેદાર પણ મટી ગયા છે. તેમના વારસદારોને ખેતીની જમીન વેચાતી લેવી હોય તો એ પણ શક્ય નથી.

ખેડૂતોના કહેવા મુજબ તેમને ત્રણ હજાર જેવી મામૂલી રકમ એકરના ભાવ આપવા કરતાં ધોળાવીરાની પડતર જમીનમાંથી જેટલી સંપાદિત થઈ છે તેટલી જ જમીન આપો તો પણ તેઓ તેમના પરિવારનો જીવનનિર્વાહ કરી લેશે, પણ તેમની આ વાત કે સમસ્યા સાંભળવા કોઈ તૈયાર નથી. હવે ન્યાય નહીં મળે તો કંટાળીને કોઇક એવો રસ્તો લઈશું જેનાથી તંત્રની બદનામી થઈ જશે તેવી ચીમકી સંપાદનની રકમથી વંચિત કિસાનોએ ઉચ્ચારી હતી.

હડપ્પન સાઇટનું કામ ચાલુ હતું ત્યારે પેટિયું રળી લેતાં પણ કામ બંધ થઈ ગયું અને રોજી પણ બંધ થઈ ગઈ છે તેમ ધરતીપુત્રોએ હૈયા વરાળ ઠાલવતાં કહ્યું હતું. આમ હવે આ એક ડઝન જેટલા ખેડૂતોની હાલત ‘જાયે તો જાયે કહાં’ જેવી કફોડી બની ગઈ છે. સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સંપાદનના વળતરથી વંચિત ધરતીપુત્રો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...