કામગીરી:કચ્છમાં 115 દી’માં અસંગઠિત ક્ષેત્રના 1,13,365 શ્રમિકોના બન્યા ઇ-શ્રમ કાર્ડ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 અોગસ્ટથી 12 આંકડાના યુઅેનઅે કાર્ડની ચાલતી કામગીરી
  • પ્રારંભિક તબક્કે જિલ્લામાં 5,87,404 ઇ-શ્રમ કાર્ડ બનાવવાનો અપાયો છે લક્ષ્યાંક

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટેની કામગીરી 26 અોગસ્ટથી હાથ ધરાઇ છે અને કચ્છમાં પ્રારંભિક તબક્કે 5.87 લાખના લક્ષ્યાંક સામે અત્યાર સુધી તા.17-12-21ની સ્થિતિઅે 1,13,365 ઇ-શ્રમ કાર્ડ બની ગયા છે.કચ્છ સહિત દેશના અસંગઠિત ક્ષેત્રના 38 કરોડથી વધુ શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં આવશે, જેને આધારકાર્ડ સાથે જોડવામાં આવશે અને અે રીતે શ્રમિકોના નામ, વ્યવસાય,સરનામુ, શૈક્ષણિક લાયકાત, ધંધાની આવડત અને પરિવારની માહિતી અેકત્રિત કરાશે. ઇ-શ્રમ કાર્ડના અાધારે શ્રમિકોને રોજગારી માટે તેમજ સામાજિક સુરક્ષાની વિવિધ સહાય યોજનાનો લાભ અપાશે.

કચ્છમાં તા.16-12ના 5634, તા.17-12ના 4858 કાર્ડ બન્યા હતા અને અત્યાર સુધી જિલ્લામાં 1,13,365 ઇ-શ્રમ કાર્ડ બની ગયા છે. અોનલાઇન અરજી કર્યા બાદ શ્રમિકોને 12 આંકડાનું યુ.અેન.અે. કાર્ડ આપવામાં આવશે. અરજદાર લાભાર્થી ઇન્કમ ટેક્સ ન ભરતો હોય, 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી વય ધરાવતા શ્રમિકો ઇ-શ્રમ કાર્ડ માટે અોનલાઇન અરજી કરી શકશે.

ઈ-શ્રમિક કાર્ડ બનાવવાથી પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2.00 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો આ કાર્ડ હશે તો વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.

વિવિધ 385 વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકોને અાવરી લેવાશે
કોમન સર્વિસ સેન્ટરના જિલ્લા કો-અોર્ડિનેટર પ્રીતેશ પરમારે જણાવ્યું હતું કે, ખેત શ્રમિક, કડીયાકામ, હસ્તકળાના કારીગરો, ખાણમાં કામ કરતા શ્રમિકો, ઈંટો ગોઠવવી, સુથાર, મિસ્ત્રી, લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર, આંગણવાડી કાર્યકર, વાયરમેન, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, હમાલ, મોચી, દરજી, માળી, બીડી કામદારો, ફેરિયા, રસોઈયા, અગરિયા, ક્લીનર- ડ્રાઇવર, ગૃહ ઉદ્યોગ, ચિત્રકાર, લુહાર, વાળંદ, બ્યુટી પાર્લર વર્કર, આશા વર્કર, કુંભાર, કર્મકાંડ કરનાર, માછીમાર, કલરકામ, આગરીયા સફાઈ, કુલીઓ, માનદવેતન મેળવનાર, રિક્ષા ચાલક, પાથરણાવાળા, રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર, ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો, રત્ન કલાકારો, ઈંટો કામ કરનાર, રસોઈ કરનાર સહિત 385 જેટલા વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકોને અાવરી લેવાશે અને વિવિધ વ્યવસાય મુજબ અેન.અો.સી. કોડ સાથેનું ઇ-શ્રમ કાર્ડ અપાશે.

ગ્રામપંચાયત સહિત ત્રણ સ્થળોઅે કરી શકાશે રજિસ્ટ્રેશન
અોનલાઇન અરજી જે ગ્રામપંચાયતોમાં વી.સી.ઇ. હોય તેવી ગ્રામપંચાયતોમાં, ઉપરાંત ગાંધીધામના લેબર ડિપાર્ટમેન્ટ ખાતે વિનામૂલ્યે કરી શકશે. વધુમાં જિલ્લાના કોમન સર્વિસ સેન્ટર પર અને જે વ્યક્તિના મોબાઇલ નંબર અાધારકાર્ડ સાથે લીંક હોય તેવા શ્રમિકો પોતાના ફોન પરથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અા માટે આધારકાર્ડ, આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર, બચત ખાતાની ઝેરોક્ષ, રાશન કાર્ડની નકલ, ઉંમર અંગેનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઈઝનો ફોટો સહિતના અાધારો સાથે રાખવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...