કેમ્પ:ભુજમાં યોજાયેલા 102મા મેગા નેત્રમણી કેમ્પમાં 108 દર્દીની નિઃશુલ્ક શસ્ત્રક્રિયા કરાઇ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજની એલ.એન.એમ. ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અને પરિવાર દ્વારા દાતા લક્ષ્મીબેન જયેન્દ્રભાઇ લોદરીયા પરિવારનાં સહયોગથી 102મો નેત્રમણી ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં 108 લોકોનાં આંખના ઓપરેશન વિનામૂલ્યે કરી અપાયા હતા. કેમ્પમાં કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની પ્રથમ સ્વર્ગારોહણ તિથિ, પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મ.સા., અમીતપ્રજ્ઞાશ્રીજી મ.સા., અનંતકિરણાશ્રીજી મ.સા.ના 50 વર્ષ સંયમ સુવર્ણ વર્ષની અનુમોદના તથા લક્ષ્મીબેન, જયેન્દ્રભાઇ, દામજીભાઇ તથા જીવતીબા લોદરીયા પરિવારના વડીલોની પુણ્યસ્મૃતિમાં અશોકભાઇ લોદરીયાએ કેમ્પ માટે દાન આપ્યું હતું. માધાપર ચાતુર્માસ અર્થે બિરાજતા પુર્ણચન્દ્રસૂરીવરજી મ.સા. આદિ ગુરુભગવંતો તથા ભુજમાં બિરાજમાન ચારૂનયનાશ્રીજી આદિ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા. દાતા અને ઉપસ્થિતોનું સન્માન કરાયું હતું. અશોકભાઇએ જણાવ્યું કે, આ માનવસેવા એ જ પ્રભુસેવાને સાર્થક કરતો એક મહાયજ્ઞ છે.

ઓપરેશન માટે હોસ્પિટલમાં પ્રવેશતાં દર્દીઓ અને તેના પરિવારનો આત્મવિશ્વાસ અને શ્રદ્ધા તેમજ ઓપરેશન બાદ પરત ફરતાં દર્દીઓના ચહેરા પરનો આનંદ એ જ પૈસાનો સદુપયોગ છે. તેમજ તેમના પુત્રી સ્વાતિબેન, ડિમ્પલબેન અને નિધિએ જણાવ્યું હતું કે અમે પણ માતા-પિતાના માનવસેવાના સત્કાર્યોમાં સાથે જોડાયેલા રહીશું. ક્લબ પ્રમુખ વિપુલ જેઠીએ સ્વાગત પ્રવચન અને હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ સેવાઓની માહિતી આપી હતી. આરાધના ભવન જૈન સંઘ, વાગડ સાત ચોવિસી જૈન સમાજ અને યુવા ગ્રુપ, સ્વજન, જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ભુજ, માધાપર સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ, તુલસીભાઇ જોષી, ડો.જીજ્ઞેશ ઠકકર, ડો.જાનકીબેન ઠકકર તેમજ અનેકવિધ સંસ્થાઓના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા. યુવા ગ્રુપના યુવાનોએ રૂ.21,000નું દાન આપ્યું હતું. દાતા પરિવારે કેમ્પની ખુશીમાં ઉપસ્થિત તમામ લોકોને 500 ગ્રામ ગોળ આપી મીઠું મોં કરાવ્યું હતું. સંચાલન પંડિત દીપકભાઇ કોઠારી અને આભારવિધિ નવીન મહેતાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...