પ્રથમ વખત લાગુ થઈ યોજના:કચ્છમાં ખાણ-દાણ યોજનાનો લાભ લેવા 1 માસમાં 1066 માલધારીઓએ કરી અરજી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નામ નોંધાવવાની છેલ્લી તારીખને હવે માત્ર 12 જ દિવસ બાકી
  • સારા દૂધ ઉત્પાદન માટે મહિને અપાય છે 75 કિલો ખાણ

રાજ્યમાં પ્રથમ વખત ખાણ દાણ યોજના લાગુ કરવામાં આવી છે. જેનો લાભ લેવા માટે કચ્છ જિલ્લામાં 1 જ મહિનામાં 1066 પશુપાલકોએ અરજી કરી છે. આ યોજનામાં નામ નોંધાવવા માટેની છેલ્લી તારીખને હવે માત્ર 13 જ દિવસ બાકી છે ત્યારે હજી પણ અરજીઓમાં વધારો થાય તેવી શકયતા સેવાઇ રહી છે.

માલધારીઓને પશુઓ માટે સરળતાથી ખાણ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ખાણ-દાણ યોજના લાગુ કરવામાં આવી છે.પશુઓ વિયાય ત્યારે દૂધ ઉત્પાદન સારા પ્રમાણમાં થાય તે માટે પશુઓને દરરોજ 4 કિલો દૂધ ઉત્પાદન માટે અને 1 કિલો શરીરના સંતુલન માટે એમ કુલ 5 કિલો સમતોલ આહાર આપવો જરૂરી છે અને દર મહિને લગભગ 150 કિલો જેટલા સમતોલ આહારની આવશ્યકતા રહે છે. જેની સાપેક્ષમાં સરકાર દ્વારા 50 ટકા પ્રમાણે 75 કિલો ખાણ આપવામાં આવે છે. પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે આઇપોર્ટલ ખેડૂત વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે.

અત્યાર સુધી સમગ્ર કચ્છમાંથી પશુપાલકો દ્વારા 965 જેટલી અરજી જનરલ કેટેગરી અને 101 જેટલી અરજીઓ અનુસૂચિત જાતિ હેઠળ કરાઇ છે, એટલે કે યોજનાનો લાભ લેવા માટે કુલ 1066 જેટલી અરજી આવી ચૂકી છે. આ યોજનામાં પશુપાલકોએ રસ દાખવતા અરજીઓનું પ્રમાણ વધ્યું છે.યોજનામા અરજી કરવાની છેલ્લા તારીખ 15મી ઓકટોબર છે. દૂધ ઉત્પાદક સહકારી સંઘ મારફતે પણ પશુપાલકો અરજી કરી રહ્યા છે.અરજી કર્યા બાદ તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરવામાં આવશે તેવું પશુપાલન કચેરીએથી જાણવા મળ્યું છે.

પશુઓમાં થતા ચયાપચયના રોગ પર નિયંત્રણ આવતા દૂધ પેદાશોમાં થયો વધારો
સરકાર દ્વારા પ્રથમ વખત બહાર પાડવામાં આવેલી યોજનાથી પશુપાલકો અને ડેરીને ઘણા બધા ફાયદા થાય છે, જેમાં ગાય અને ભેંસ વિયાયા બાદ પશુઓને પુરતા અને સમતોલ ખોરાકની જરૂર હોય છે. સમતોલ આહાર ન મળવાને કારણે પશુઓમાં થતાં ચયાપચયના રોગો પર હવે નિયંત્રણ લાવી શકાય છે. આ રોગોના નિયંત્રણને કારણે દૂધ ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે, જેને કારણે પશુપાલકોને દૂધ પેદાશોના સારા ભાવ મળી રહ્યા હોવાનું જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...