કચ્છમાં વધી રહેલી વીજ ચોરીની વ્યાપક ફરિયાદને પગલે પીજીવીસીએલની રાજકોટથી આવેલી વિજીલન્સની ટીમોએ બીજા દિવસે પશ્ચિમ કચ્છમાં સપાટો બોલાવ્યો હતો અને નખત્રાણ તેમજ લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 10.25 લાખની વીજ ચોરી પકડી પાડી હતી.
નખત્રાણાની પેટા વિભાગીય વીજ કચેરી તેમજ રવાપર અને દયાપર પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં 22 જેટલી ટુકડીએ સવારથી ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. છારી ઢંઢ, ફૂલાય, વેડહાર, તલ, આશાપર, ભાડરા, પુનરાજપુર, બૈયાવો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વપરાશના 360 અને વાણિજ્યીક 9 મળીને 378 વીજ જોડાણ ચકાસાયા હતા જેમાં ઘર વપરાશના 42 તેમજ કોમર્શિયલ 1 સહિત 43 કનેક્શનમાં ગેરરીતિ જણાઇ હતી. નીતિ નિયમોને નેવે મૂકીને વીજ વપરાશ કરતા આ ગ્રાહકોને કુલ્લ 10.25 લાખના દંડ સહિતના વીજ બિલ ફકટારવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ભુજ અને માધાપરમાં 24 લાખ જેટલી વીજ ચોરી પકડાઇ હતી. બીજા દિવસે પશ્ચિમ કચ્છમાં 10 લાખ કરતાં વધુ વીજ ચોરી પકડી પાડવામાં આવતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. ભુજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર અમૃત એસ. ગુરવાએ આગામી દિવસોમાં ઝુંબેશને વધુ વેગવંતી બનાવાની સાથે વીજ ચોરોને બક્ષવામાં નહી આવે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.