તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:સુખપરમાં 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના દોઢસો કેસ, ત્રણેક મોત છતાં આંકડા છુપાવવામાં મશગુલ તંત્રના ચોપડે કંઇ ન ચડ્યું
  • ગામમાં સાંજે 6થી સવારે 6 સુધી વાગ્યા સુધી તમામ દુકાનો, કેબીનો બંધ રહેશે

તાલુકાના મોટા ગામોમાં જેની ગણના થાય છે એ સુખપરમાં છેલ્લા છ દિવસથી કોરોના વકરી જતાં ચિંતિત બનેલા ગ્રાજમનોએ સ્વૈચ્છિક રીતે શુક્રવારથી 10 દિવસ માટે રાત્રીના લોકડાઉન જાહેર કર્યું છે.

ગામના જાગૃત અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે વિતેલા છ દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દોઢસો થઇ ગઇ છે જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણેક વ્યક્તિના કોવિડથી મોત થયા છે. આરોગ્ય તંત્રે ભલે ચોપડે એક પણ મોત ન દર્શાવ્યું હોય પરંતુ એ ત્રણે ગ્રામજનોની અંતિમક્રિયા ભુજના ખારી નદી સ્થિત કોવિડ સ્મશાન ગૃહમાં કોવિડના નિયમો સાથે કરાઇ છે.

કોરોનાનો કહેર વધી જતાં ગામના આગેવાનો અને જાગૃત નાગરિકોએ ગુરૂવારે ગ્રામ પંચાયતમાં વિશેષ બેઠક બોલાવીને તા. 27થી તા. 5 ડિસેમ્બર સુધી સાંજના 6થી સવારના 6 વાગ્યા દરમિયાન સ્વૈચ્છિક રીતે નાની મોટી દુકાનો, ચા અને પાનની કેબીનો સહિત તમામ બજાર બંધ રાખવા નિર્ણય લીધો છે. આ આગેવાનો ગામમાં દુકાને-દુકાને ફરીને વેપારીઓ અને ધંધાર્થીઓને વાકેફ કરતા તમામ સહમતી દર્શાવી હતી. રાત્રી લોકડાઉન વિશે માનકુવા પોલીસને પણ વાકેફ કરાઇ છે.

નાના અંગિયામાં પણ સ્વયંભૂ લોકડાઉન
નખત્રાણા તાલુકાના નાના અંગિયામાં છેલ્લા સપ્તાહમાં દરરોજ એકાદ બે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા બહાર આવી રહી છે. તેમાં ગુરૂવારે એક સાથે 5 જેટલા લોકોનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં સંક્રમણને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે કમર કસી હતી. મહામારીને ફેલાતી રોકવા માટે ગામમાં 30 નવેમ્બર સુધી બપોર બાદ સ્વયંભૂ લોક ડાઉન જાહેર કરાયું હતું.

એકાએક વધેલા કોરોનાના કેસને પગલે ગ્રામ પંચાયત દ્વારા 25થી 30 નવેમ્બર સુધી સર્વાનુમતે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને વેપારી મંડળનો સહયોગથી સાંપડતાં બપોર બાદ તમામ વેપાર, ધંધા, રોજગાર બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી ગ્રામ પંચાયત દ્વારા 200 રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે. શરૂઆતના દિવસોમાં જ અંદાજે 1800 રૂપિયા જેટલો, અલગ અલગ વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાયો હતો. બપોરે 1 વાગ્યા બાદ કોઇ પણ દુકાન ચાલુ જણાય તો તેવા દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. બહારગામથી આવતા ફેરિયાઓ માટે હાલમાં પ્રવેશ બંધી ફરમાવાઇ છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે પાટીદાર વસ્તી ધરાવતા આ ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર અને સતપંથ મંદિર આવેલા છે. જે પણ હાલના સમયમાં કોરોના મહામારી નો સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે દર્શનાર્થીઓ માટે હાલ પૂરતા બંધ રાખવામાં આવેલ છે. વિથોણ પી.એચ.સી.ના ડોક્ટર મયુરીબેન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તાલુકા હેલ્થ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે. કોરોનાગ્રસ્તોને હોમ ક્વોરન્ટાઇ કરવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...