પાકિસ્તાની માછીમારો ઝડપાયા:અરબી સમુદ્રમાં બોટ સાથે 10ની ધરપકડ, 20 દિવસ પૂર્વે 400 કરોડનું ડ્રગ્સ પકડાયું હોવાથી પેટ્રોલિંગ વધારાયું

ભૂજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
તમામ પાકિસ્તાની માછીમારોની તસવીર - Divya Bhaskar
તમામ પાકિસ્તાની માછીમારોની તસવીર
  • ICG જહાજ જોઇ નાસવાનો પ્રયાસ કર્યો પણ આંતરી લેવાયા

જખૌ નજીકના દરિયામાં 20 દિવસ પૂર્વે રૂ. 400 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાની માછીમારો પકડાયા બાદ અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડની ટુકડીએે પેટ્રોલિંગ વધાર્યું છે. ગઈ મોડી રાત્રે યાસીન નામની પાકિસ્તાની બોટની હિલચાલ શંકાસ્પદ જણાતાં કોસ્ટગાર્ડની ટુકડીએ પૂછપરછનો પ્રયાસ કરતા બોટે પાકિસ્તાનની જળસીમામાં જવાનો પ્રયાસ કર્યો હતો. આઇસીજી જહાજમાં કોસ્ટગાર્ડની ટુકડીએે પાકિસ્તાની બોટને આંતરીને પકડી લીધી હતી, જેમાંથી 10 માછીમારો, 600 લીટર ડીઝલ અને 2 હજાર કિલો માછલીનો જથ્થો મળી આવ્યો હતો. બોટની અંદરથી કોઇ શંકાસ્પદ કે કેફી દ્રવ્ય મળી આવ્યુ નહોતું.

પકડાયેલી બોટ
પકડાયેલી બોટ

સંતોષકારક જવાબ ન મળતા પકડી લીધા
શનિવારની મધરાતે ભારતીય તટરક્ષક દળનું અંકિત જહાજ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાની ફિશરિંગ બોટ યાસીનને આંતરી લેવાઇ હતી. તેઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા છે તે અંગે પૂછપરછ કરાઇ હતી. જોકે, કોઇ સંતોષકારક જવાબ ન મળતાં તેમની ધરપકડ કરાઇ હતી. આઇસીજી જહાજને જોઇને પાકિસ્તાની માછીમારી બોટે ત્યાંથી નાસીને પોતાની જળસીમામાં પરત જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આઇસીજી જહાજે વિપરીત હવામાન અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં પણ બોટને આંતરી લીધી હતી.

તમામને પોરબંદર લઈ જવાયા
કેટી બંદર ખાતે નોંધાયેલી પાકિસ્તાની માછીમારી બોટ યાસીન પરથી પકડાયેલા તમામ 10 માછીમારને સઘન પૂછપરછ માટે પોરબંદર લઇ જવાયા હતા. કોસ્ટગાર્ડે ઝડપી લીધેલા દસ પાકિસ્તાની માછીમાર.