તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:નલિયામાં 40 લાખ મંજૂર થતાં પીવાના પાણીની સમસ્યા ઉકેલાશે

નલિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા વિભાગે પાઇપ લાઇન માટે રકમ ફાળવી

હાલે નલિયામાં ગાયત્રી મંદિરના સમ્પ અને ઓવર હેડ ટેન્ક દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે જે અપૂરતું હોતાં પાણી પુરવઠા વિભાગ સમક્ષ કરાયેલી રજૂઆતને પગલે પાણીની લાઇન પાથરવા 40 લાખ મંજૂર કરાયા છે. આ રકમમાંથી આકાર લેનારી યોજના પૂર્ણ થતાં નગરને સતાવતી પેય જળની સમસ્યા મહદ અંશે ઉકેલાઇ જશે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા ચાર વર્ષ અગાઉ છાડુરા નાકા પાસે 30 લાખ લિટરની ક્ષમતાનો સમ્પ અને 3 લાખ લિટરની ઓવર હેડ ટેન્ક તૈયાર કરીને ગ્રામ પંચાયતને સોંપાયા હતા પણ ટેક્નિકલ કારણોસર પાણી વિતરણ શક્ય બન્યું ન હતું. આ અંગે સરપંચ શહેનાઝબેન અને પંચાયતના સભ્યોએ અગ્રણી છત્રસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરતાં તેમણે પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર એમ. વી. પટેલ, એસ.ઓ. વિજય મહેશ્વરી તેમજ તલાટી રૂપસિંહ જાડેજા સાથે સંકલન સાધી સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કર્યા હતા. છાડુરા નાકાથી ગાયત્રી મંદિરના ટાંકા સુધી તેમજ ગાયત્રી મંદિરથી મફત નગર સુધી પાઇપ લાઇન નાખવા માટે મોજણી કામ હાથ ધરાયું હતું.

આ બાબતે મુખ્ય ઇજનેર એ. જે. વરનોરા સમક્ષ રજૂઆત કરાતાં તેમણે ગાયત્રી મંદિર સુધી લાઇન પાથરવા માટે તાત્કાલિક 31 લાખ રૂપિયા ખાસ અંગભૂત સહાયમાંથી મંજૂર કર્યા હતા. આ ઉપરાંત મફતનગર વિસ્તાર માટે 7.84 લાખ ફાળવવાની મંજૂરી પ્રક્રિયા હાથ ધરી હતી. આ અન્વયે 3 લાખ કરતાં વધુ રકમનો લોક ફાળો પાણી પુરવઠા પેટા વિભાગીય કચેરીમાં જમા પણ કરાયો હતો.

એક માસમાં ટેન્ડર પ્રક્રિયા બાદ બે મહિનામાં કામો પૂર્ણ થઇ જશે તેવો વિશ્વાસ તંત્રના અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો. બંને યોજનાની મુખ્ય લાઇનમાં જોડાણ માટે ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએથી 20 લાખ મંજૂર કરાયા છે. આમ આવનારા સમયમાં ગામને સતાવતી પાણીની સમસ્યા મહદઅંશે ઉકેલાઇ જશે.

અન્ય સમાચારો પણ છે...