અકસ્માત:જખૌમાં ટ્રકમાં ચડતા ચાલક સાથે બાઇક અથડાઇ, બે જણ ઇજાગ્રસ્ત

નલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેરા રોડ પર ખાડીમાં કાર ખાબકતાં બે યુવાનો જખમી, ચાલક ગુમ

અબડાસા તાલુકાના જખૌ બંદર નજીક અને તેરા રોડ પર સર્જાયેલા બે અકસ્માતના બનાવોમાં ચાર યુવકોને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે જખૌ બદર મીઠારોડ પર સવારે સાડા દસ વાગ્યે બનેલા બનાવમાં ભુજના મોટા પીર રોડ પર મુસ્લિમ ચોકડી પર રહેતો ઇરફાન રઝાક શેખ (ઉ.વ.20) મોટર સાયકલથી જખૌ જેટી પરથી મસ્જીદ પાસે બોટ પર જઇ રહ્યો હતો ત્યારે મીઠા રોડ પર ઉભેલી ટ્રકમાં ચડવા જઇ રહેલા ડ્રાઇવર જામીર હુશેન સોઢા (ઉ.વ.28) નામના શખ્સ સાથે બાઇક અથડાતાં બાઇક સ્લીપ મારી ગઇ હતી.

જેને કારણે બન્ને જણાઓને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે પ્રથમ નલિયા બાદ ભુજ રીફર કરાયા હતા. જખૌ મરિન પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી કરી હતી. તો, બીજી તરફ જામનગર જિલ્લાના સિક્કા ગામના આમદ અબ્બાસ સંઘાર (ઉ.વ.18) અને નૂરમામદ જુણસ સંઘાર (ઉ.વ.28) નામના બે યુવકો ઇકો કારથી બપોરે ત્રણ વાગ્યાના અરસામાં જખૌથી જામનગર જઇ રહ્યા હતા ત્યારે નલિયા રોડ પર તેરાથી આગળ અકસ્માતે કાર પલ્ટી મારીને રોડની સાઇડમાં પડી ગઇ હતી.

કાર સવાર આમદ અને નૂરમામદ બન્ને જણાઓને ઇજા પહોંચી હતી. પોલીસને ઘાયલોએ જણાવ્યું હતું કે, બન્ને જણાઓ કારમાં સુઇ ગયા હતા. જાગ્યા ત્યારે કાર ઝાડી ઝાંખરામાં પડી હતી અને અમોને હાથમાં લોહી નીકળતા હતા. કાર ચાલક દેખાયો ન હતો. બાદમાં નલિયા સારવાર લઇ વધુ સારવાર માટે ભુજ દાખલ થયા હતા. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...