અકસ્માત:વિંઝાણ પાટિયા પાસે કાર પલટી જતા માસૂમ બાળાનું કરૂણ મોત

નલિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવીથી માતાના મઢ જતા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત
  • નિલગાયને બચાવવા જતા ચાલકે કાબૂ ગુમાવ્યો ને સર્જાઇ દુર્ઘટના

માંડવી-નલિયા હાઇવે વિંઝાણ પાટિયા પાસે નિલગાયને બચાવવા જતા ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવી દેતા વાહન પલટી મારી ગયું હતું. આ કરૂણ બનાવમાં માસૂમ ચાર વર્ષિય બાળકીનું ચગદાઇ જવાથી કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે શોક સાથે અરેરાટી છવાઇ જવા પામી છે. નલિયા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સરખેજમાં રહેતા વિનુભા સોમાભાઇ ભરવાડ પરિવાર સાથે પોતાની ગાડીમાં ફરવા માટે નીકળ્યા હતા. અમદાવાદથી દ્વારકા ગયા બાદ દ્વારકાથી આ પરિવાર કચ્છ આવ્યો હતો.

માંડવી બીચ નિહાળ્યા બાદ તેઓ શુક્રવારે બપોરે 3 કલાકે માતાના મઢ જવા નલિયા રોડથી નીકળ્યા હતા. હાઇવે રોડ પર ડુમરા-વરાડિયા ગામ વચ્ચે વિંઝાણ ગામના પાટિયા પાસે પહોંચતા રોડ પર અચાનક નિલગાય દોડી આવી હતી. જેથી નિલગાયને બચાવવા માટે ફરિયાદીના દીકરા અભિષેકે કાવો માળતા ગાડી પલટી મારી ગઇ હતી અને રોડસાઇટમાં ગડથોલિયા ખાઇને પલટી મારી જતા બૂમાબૂમ થતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરાઇ હતી.

આ બનાવમાં પૌત્રી ચાર વર્ષિય નિવાને મોઢા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર કારગત નિવડે એ પૂર્વે જ મોત આંબી ગયું હતું. જ્યારે પત્ની મમતાબેન તેમજ પુત્રવધૂ શ્રદ્ધાબેન, સુહાનીબેનને ઇજાઓ થતા નલિયા સીએચસીમાં સારવાર અપાઇ હતી. માતાના મઢ જતા પરિવાર સાથે સર્જાયેલી કરૂણ ઘટનાને પગલે હતભાગીના સ્વજનોમાં શોક ફેલાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...