એકતરફ કચ્છ જિલ્લામાં આરોગ્યસેવાની તાતી જરૂરિયાત છે,અવારનવાર આરોગ્યની અસુવિધાઓનો મુદ્દો સ્થાને આવતો હોય છે. દવાખાનામાં સ્ટાફની ઘટ અને સાધનોના અભાવ વચ્ચે હવે નવનિર્મિત આરોગ્યધામ ખોલવામાં પણ વિલંબ કરવામાં આવતો હોવાનો દાખલો સામે આવ્યો છે,જે જિલ્લા આરોગ્યવિભાગની ઘોર બેદરકારી સૂચવે છે.
કેન્દ્ર સરકારની આયુષમાન ભારત યોજના હેઠળ અબડાસા તાલુકાના નલિયા ખાતે સ્વર્ણિમ સોસાયટીમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવ્યું છે,2017માં પૂર્ણ સુવિધા સાથે બનીને તૈયાર થયેલું આ સેન્ટર ખુલ્લું મુકવામાં ન આવતા પાંચ વર્ષમાં તેની હાલત ખંડેર થઈ ગઈ છે અને સરકારના લાખોના ખર્ચમાં ગાબડું પડી ગયું છે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં મુખ્ય પ્રવેશદ્વાર તૂટી ગયો છે,કમ્પાઉન્ડને જંગલી બાવળોનો ઘેરો લાગી ગયો છે.બારી - દરવાજા પણ તૂટી ગયા છે. જેથી સરકારે કરેલો ખર્ચ પણ એળે ગયો હોવાનું અહીના લોકો જણાવી રહ્યા છે ત્યારે અહીં બાવળોની સાફ સફાઈ કરીને તેને લોકસેવામાં કાર્યરત કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં મળે છે આરોગ્યની અા સુવિધા
આ સેન્ટરમાં મફત દવાની સાથે ચેપી-બિનચેપી રોગોની સારવાર, સગર્ભા માતાની તપાસણી, ટીબી,આંખોની ચકાસણી,ઇએમટી સહિતના અનેકવિધ દર્દનું નિદાન કરી સારવાર આપવામાં આવે છે અને અહીં આયુષ તબીબની પણ નિમણુંક કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.