ભુજ:જખૌ પાસે સુઝલોનની પવનચક્કીમાં આગ : બે તોતીંગ પાંખડા તૂટી પડ્યા

નલિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પવનચક્કીના ટર્બાઇનમાં જ આગ લાગતા દૂર-દૂર સુધી આગ અને ધુમાડા નજરે પડ્યા

કચ્છમાં આડેધડ લાગેલી પવનચક્કીઓએ અનેક મુશ્કેલીઓ ઉભી કરી છે. તેવામાં અબડાસા તાલુકાના જખાૈ પાસે સુઝલોનની એક પવનચક્કીમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. પવનચક્કીના મુખ્ય ટર્બાઇનમાં આગ લાગતા દૂર-દૂર સુધી આગના ધુમાડા નજરે પડ્યા હતાં. આગના કારણે બે પાંખડા પણ તૂટીને નીચે પડી ગયા હતાં. ફાયર બ્રિગેડની મદદ આવે તે પહેલા જ આગથી નુકસાન થઇ ચૂક્યું હતું.

આડેધડ લાગેલી પવનચક્કીઓ કચ્છમાં આવી રીતે પણ જોખમી બની શકે છે
આ અંગે મળતી વિગતો મુજબ આસીરાવાંઢ અને જખાૈ ગામની સીમમાં અવેલી સુઝલોનની પવનચક્કીમાં આ આગ લાગી હતી. અહીં માલધારીઓ અને ગામના લોકોએ કંપનીને જાણ કરી હતી. જેના પગલે સુઝલોન કંપનીના જવાબદારો સ્થળ પર ધસી આવ્યા હતાં. ફાયરબ્રીગેડને પણ જાણ કરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે પવનચક્કીના બે પાંખડા તૂટીને જમીન પર પડી ગયા હતાં.  જેના પગલે એક તબક્કે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આગને પગલે સુઝલોનનું જખાૈ સબસેન્ટર તાત્કાલિક બંધ કરવામાં આવ્યું હતું. પાવર સપ્લાય પણ બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. સુઝલોન કંપનીના જવાબદારોએ નલિયા એરફોર્સ અને માંડવી નગરપાલિકાને પણ જાણ કરી હતી. પરંતુ મદદ પહોંચે તે પહેલા જ આગથી પવનચક્કીને નુકસાન થઇ ચૂક્યું હતું. પ્રાથમિક તબક્કે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...