હોબાળો:નલિયાની મામલતદાર કચેરીએ નોટિસ મુદ્દે બીએલઓનો હોબાળો

નલિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ કરવા છતાં પ્રાંત અધિકારીએ ખુલાસો પૂછ્યાનો શિક્ષકોનો આક્ષેપ

અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં આદરાયેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશના પ્રથમ દિવસે જ નબળી કામગીરી કરાઇ છે તેમ જણાવીને કારણદર્શક નોટિસ ફટકારાતાં રોષે ભરાયેલા બીએલઓએ નલિયાની મામલતદાર કચેરીએ હોબાળો મચાવ્યો હતો. અહીંથી તેઓ નોટિસ પાઠવનારા પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને કામ કર્યું હોવા છતાં ખુલાસો પૂછાયો હોવાના આક્ષેપો કર્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ તા. 14, 21, 26 અને 27 નવેમ્બરના મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તળે ઝુંબેશ ચલાવાશે તેમ આગોતરી જાણ સંબંધિત બીએલઓને કરવામાં આવી હતી. અભિયાનના પ્રથમ દિવસે જ તા. 14/11ના 27 જેટલા બ્લોક લેવલ ઓફિસરે તેમના તાબા તળે આવતા બૂથ કે મતદાન મથકે ખૂબજ નબળી કામગીરી કરી છે તે પ્રકારની કારણદર્શક નોટિસ અબડાસાના પ્રાંત અધિકારી દ્વારા ફટકારવામાં આવી હતી. નોટિસમાં એક દિવસની મહેતલ આપવાની સાથે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો પૂછાયો હતો.

નોટિસ મળતાં રોષે ભરાયેલા બ્લોક લેવલ ઓફિસર મામલતદાર કચેરીએ ધસી ગયા હતા અને મામલતદારને પ્રાંગણમાં બોલાવી રીતસર હોબાળો મચાવ્યો હતો. અમે કામ કર્યું હોવા છતાં આ નોટિસ કેમ ફટકારાઇ તેવો મામલતદારને ખુલાસો પૂછાતાં જાણે અવળી ગંગા જેવો તાલ રચાયો હતો. આ તકે બીએલઓએ શિક્ષકોની જગ્યાએ અન્ય કર્મચારીઓને ફરજ સોંપવા, મોટી ઉમરના શિક્ષકોને મુક્તિ આપવા તેમજ ગરૂડા એપમાં થતી મુશ્કેલીઓ વિશે પણ આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી.

મામલતદારે તમામ બીએલઓનો ખુલાસો માન્ય રખાશે અને નોટિસ પણ પરત ખેંચાશે તેવી ખાતરી આપતાં આખરે મામલો શાંત પડ્યો હતો. નોટિસ મેળવનારા બીએલઓએ પ્રાંત અધિકારી સમક્ષ પણ પોતાનો પક્ષ મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...